તામિલનાડુમાં રાશનકાર્ડધારકોને રુ.ચાર હજારની રોકડ સહાય; દૂધનાં ભાવમાં ઘટાડો

તામિલનાડુમાં રાશનકાર્ડધારકોને રુ.ચાર હજારની રોકડ સહાય; દૂધનાં ભાવમાં ઘટાડો
ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે
ચેન્નઈ, તા. 7 : તામિળનાડુમાં મુખ્યમંત્રી પદ સંભાળતા વેંત એમ.કે.સ્ટાલિને ચૂંટણી વચનો પૂરા કરવાની શરૂઆત કરતાં કોરોના મહામારીનાં સંકટમાં રાહતકારી ઘોષણાઓની હારમાળા સર્જી દીધી હતી. જેમાં રાશનકાર્ડ ધારકોને 4 હજાર રૂપિયાની સહાય, ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સહાયને સરકારી વિમા યોજના હેઠળ સમાવી લેવાનાં નિર્ણય મોટા અને મહત્ત્વનાં છે. આના હિસાબે રાજ્યનાં લોકોને ખાનગી હોસ્પિટલની સારવાર પણ સરકારી ખર્ચે મળતી થશે. ઉપરાંત મહિલાઓ સરકારી બસોમાં મફત યાત્રા અને દૂધનાં ભાવમાં ઘટાડાની જાહેરાતનો સમાવેશ થાય છે. 
સત્તામાં આવ્યાના ગણતરીના સમયમાં જ સ્ટાલિને ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પૂરા કરવા કામગીરી શરુ કરી દીધી છે. કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં તમિલનાડુનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ લોકો મોટી સંખ્યામાં કોરોનાની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તેવામાં સીએમે આદેશ કર્યો છે કે, રાજ્ય સરકારની હેલ્થ ઈન્શ્યોરન્સ યોજનાના લાભાર્થીઓનો પ્રાઈવેટ હોસ્પિટલમાં થયેલો તમામ ખર્ચ સરકાર ભોગવશે. 
સ્ટાલિને ચૂંટણી ઢંઢેરામાં જ વચન આપ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો રાશનકાર્ડ ધારકોને સરકાર મહિને ચાર હજાર રુપિયાની રોકડ સહાય કરશે. આ વચનને પૂરું કરતાં તેમણે તમામ લાભાર્થીઓને બે હજાર રુપિયાનો પહેલો હપ્તો ચૂકવી દેવા માટે આદેશ કર્યો છે. જેના માટે સરકાર 4,153 કરોડ રુપિયાનો ખર્ચ કરશે. 
આ ઉપરાંત, સ્ટાલિને દૂધના ભાવમાં પણ પ્રતિ લિટર રુ. ત્રણનો ઘટાડો જાહેર કર્યો છે, જેનો અમલ 16 મેથી શરુ થશે. 
પોતાના ચૂંટણી વચન પૂરા કરતાં સ્ટાલિને શહેરી વિસ્તારોમાં મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરશે તેવી પણ જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન્સને તેના માટે 1200 રુપિયાની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત પબ્લિકના કોઈપણ પ્રશ્નનું 100 દિવસમાં સમાધાન લાવવા માટે પણ તેમણે એક ડિપાર્ટમેન્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ ડિપાર્ટમેન્ટનું નામ `સીએમ આપના મતવિસ્તારમાં' રહેશે.

Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer