માલદિવમાં નશામાં વૉર્નર અને સ્લેટર વચ્ચે ઝઘડો

માલદિવમાં નશામાં વૉર્નર અને સ્લેટર વચ્ચે ઝઘડો
જો કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કૉમેન્ટેટર વાત નકારી રહ્યા છે
માલે (માલદિવ), તા.9: ઓસ્ટ્રેલિયાની ટીમનો અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો આક્રમક ઓપનિંગ બેટસમેન ડેવિડ વોર્નર અને પૂર્વ ક્રિકેટર તથા વર્તમાનમાં કોમેન્ટેટર માઇકલ સ્લેટર અહીંના એક બારમાં નશાની હાલતમાં ઝઘડી પડયા હતા. જો કે આ બન્ને ઓસ્ટ્રેલિયા આ વાત નકારી રહ્યા છે. આઇપીએલ સસ્પેન્ડ થવાથી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માલેમાં થોડા દિવસથી રોકાયા છે અને ત્યાંથી સ્વદેશ જવા માટે ઉડાન ભરશે. 
એવા રિપોર્ટ સામે આવ્યા છે કે કોરલ રિસોર્ટમાં ક્વોરન્ટાઇન દરમિયાન વોર્નર અને સ્લેટર વચ્ચે ગત રાત્રીના ઝઘડો થયો હતો. જો કે સ્લેટરે બાદમાં જણાવ્યું કે આ બધી વાત અફવા છે, મારા અને ડેવી (વોર્નર) વચ્ચે ઘણી સારી દોસ્તી છે. અમારા વચ્ચે ઝઘડો થવાની સંભાવના શૂન્ય છે. વોર્નરે પણ કહ્યંy છે કે આવું કાંઇ થયું નથી. જો કે નજીકના સૂત્રમાંથી જાણવા મળે છે કે ગત રાત્રીના દારૂના નાશામાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં માફામાફી થઇ હતી.
માલદિવની રાજધાની માલેમાં હાલ 39 ઓસ્ટ્રેલિયન સદસ્યનું દળ રોકાયું છે. જેમાં ક્રિકેટર, કોચ, કોમેન્ટેટર અને ફિઝિયો સામેલ છે. માઇકલ સ્લેટર આઇપીએલ સ્થગિત થયા પહેલા જ કોમેન્ટ્રી છોડીને માલદિવ પહોંચી ગયા હતા. બાદમાં તેણે સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસનની દેશમાં પરત ન ફરવા દેવાના નિયમની આકરી ટીકા કરી હતી.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer