કચ્છમાં બાગાયત સાથે સેલમ હળદરનું સફળ વાવેતર

પ્રશાંત પટેલ તરફથી
ભુજ, તા. 9 : કચ્છના કર્મઠ કિસાનો બાગાયત વિકાસ બાદ મસાલા પાકો તરફ નવું સાહસ કરી રસોડાંની રાણીનાં રાજમાં કચ્છી મસાલાનાં સ્વાદ અને રસમ આપવા થનગની રહ્યા છે. સેલમ હળદરના મૂલ્યને કચ્છના સાહસિક ખેડૂતોએ પારખીને વાવેતરથી વેચાણ સુધીના નવા આયામ સર કર્યા છે. 
ખેડૂતના ચોપડે હળદર મહત્ત્વપૂર્ણ મસાલા પાક છે. હળદરની ખેતી ગત વર્ષે કોરોનાકાળમાં વાવેતર કરીને સૌ પ્રથમવાર કચ્છના 50થી વધુ ખેડૂતોએ શરૂ કરી છે. છેલ્લાં બે વર્ષથી ભચાઉ તાલુકાના આધોઈ ખાતે 40 એકરમાં હળદરની ખેતી કરતા લખમશીભાઈ ચરલા અને દીપકભાઈ પટેલે હળદરની ખેતી બાબતે જણાવ્યું કે, પ્રમાણસર ઠંડું અને ભેજવાળું વાતાવરણ, સારાં નીતારવાળી સેન્દ્રીય તત્વો ધરાવતી, ગોરાડું, મધ્યમ કાળી કે નદી કાંઠાના કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ આવે છે, જે કચ્છની જમીનમાં છે. ખેતરમાં પાળા કરી મે-જૂન માસમાં વાવેતર કરવામાં આવે છે. એક એકરે 1000 કિલો 6 ઈંચના અંતરે વાવતેર થાય છે.  
દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે એક એકરે 40 થી 50 હજાર બિયારણનો ખર્ચ આવે છે. ખાતર, મજૂરી, બિયારણ સહિતનો ખર્ચ 50 થી 70 હજાર જેટલો ખર્ચ એક એકરમાં થાય છે. જેની સામે એક એકરમાં ઉત્પાદન 7 થી 10 ટન મળે છે. તેમાં જો ખેડૂતો સૂકવીને હળદર બનાવીને વેચે તો એકરે વધુ આવક મેળવી શકે.   
ભુજ તાલુકાના આણંદસરના અગ્રણી ખેડૂત શાન્તિભાઈ ભાવાણીએ પણ પંદર વર્ષ જૂના આંબાના બગીચા વચ્ચે સેલમ હળદર વાવી છે. તેઓ કહે છે કે આંબા તો કમાણી કરાવી આપે છે, પણ બે આંબા વચ્ચે જગ્યા ખાલી પડી છે તો હવે હળદર એક બોનસ પાક સાબિત થશ 
સહકારી અગ્રણી અને કિસાન દેવરાજભાઈ ગઢવીએ કહ્યું કે, હળદરની ખેતી કચ્છના ખેડૂતો માટે સરળ છે. કોરોનાકાળ દરમ્યાન પણ કોરોના સામે રોગપ્રતિકારક શકિત વધારવા હળદરની માંગ વધી છે. તેથી આવનારા સમયમાં જેમ હળદર શરીર માટે રામબાણ છે તેવી જ રીતે કચ્છના ખેડૂતોને કમાણીના સાધન તરીકે રામબાણ સાબિત થશે.    
ગઢશીશાના નવીનભાઈ ચુનીલાલ છાભૈયાએ પણ પપૈયાના છોડ વચ્ચે હળદરમાં હાથ પીળા કર્યા છે. તેઓ કહે છે કે આંતર પાકનો અખતરો છે ઓછું ઉત્પાદન આવશે તો પણ ભાવ સારા હોવાથી આવકના આંકડા સરભર થઈ રહેશે.   
ભુજ તાલુકાના સુખપરના જેન્તીભાઈ ધનજીભાઈ ગોરસીયા હળદરની ખેતી વાવી તથા તેનું પ્રોસેસિંગ પણ ચાલુ કરી દીધું છે. તેના માટે લીલી હળદરને ચોખ્ખા પાણીથી ધોઈ, તેણે નાના કટકા કરવા માટે મશીન પણ વસાવી લીધું છે. આ નાના કટકા બે-ચાર દિવસ સૂર્યના તાપમાં સૂકવી તેને મિક્સરમાં પીસી પાઉડર બનાવીને વેચવાનું શરૂ કરી દીધું છે. તેઓ વાવેતરથી વેચાણ સુધીની આખી ક્રિયા-પ્રક્રિયા પસાર કરી રોલ મોડેલ બન્યા છે.   
હળદરની ખેતીમાં બાગાયત ખાતાં દ્વારા સહાય અંગે વાત કરતા નાયબ બાગાયત નિયામક કુલદીપભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે કચ્છમાં હાલમાં હળદરની ખેતી માટે સબસિડી મળતી નથી પરંતુ અન્ય જિલ્લાઓમાં મળે છે. વધુમાં વધુ બે હેકટર સુધી 1રથી 14 હજાર સુધી સબસિડી મળે છે. એટલે કચ્છમાં પણ વાવેતર થાય અને માગ આવે તો સબસિડી મળી શકે. અત્યારે કચ્છમાં જીરું, ધાણા, ઈસબગુલ જેવા મસાલા પાકોની ખેતી થાય છે.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer