અૉક્સિજન સામગ્રી અને કોરોનાની ઔષધી પરથી જીએસટી હટાવવાની એસોચેમની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : કોરોનાના ઈલાજ માટે ખરીદવામાં આવતી ઓક્સિજન સંબંધી સામગ્રી અને ઓષધીઓ પરનો જીએસટી હટાવવાની માગણી રાષ્ટ્રવાદી કોંગ્રેસે કરી છે. પક્ષે કહ્યું હતું કે આ ભારતની હેલ્થ કેર સિસ્ટમ પર એની વિપરિત અસર પડી રહી છે. 
મહારાષ્ટ્ર રાષ્ટ્રવાદી કોંગ્રેસના ચીફ જયંત પાટિલે એક ટ્વીટ કરી એસોસિયેટડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (એસોચેમ)એ છ મેના કેન્દ્રના નાણાં પ્રધાનને લખેલો પત્ર પણ ટૅગ કર્યો હતો. એસોચેમે આ પત્રમાં 31 માર્ચ 2022 સુધી કોરોનાની ઔષધી અને ઓક્સિજનની સામગ્રી પરથી જીએસટી હટાવવાની માગણી કરી છે. પાટિલે ટ્વીટમાં કહ્યું હતું કે એક તો આ સામગ્રી અને ઔષધીઓ મળતી નથી એટલે એના પર 12 ટકા જીએસટી વસૂલવો વાહિયાત વાત છે. એટલે કેન્દ્રના નાણાં પ્રધાને એસોચેમની વિનંતી સ્વીકારી આ તમામ વસ્તુઓ પરથી અત્યારે જીએસટી હટાવવો જોઈએ. આ ટેક્સને લીધે આપણી હેલ્થ સિસ્ટમ પર વિપરિત અસર પડી રહીં છે. 
કોઈ પણ વસ્તુ પરથી જીએસટી હટાવવો કે નહીં એનો નિર્ણય જીએસટી કાઉન્સિલ જ લઈ શકે છે. આ કાઉન્સિલમાં તમામ રાજ્યોના નાણા પ્રધાનોનો સમાવેશ છે. નિર્ણય ઝટ લેવાય એટલે એસોચેમે એના પત્રની કોપી તમામ રાજ્યના નાણા પ્રધાનોને મોકલવામાં આવી છે.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer