દેશમાં હવે માત્ર 12 સરકારી બૅન્ક

નવી દિલ્હી, તા.9: દેશમાં સરકારી બેંકોના મહાવિલયની પ્રક્રિયા ચાલી રહી છે. હવે માત્ર 12 સરકારી બેંક બાકી રહી છે. વિલય બાદ 2118 બેંક શાખા હંમેશ માટે બંધ કરી દેવાઈ છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં 10 સરકારી બેંકની કુલ 2118 બેંકિંગ શાખાઓ બંધ કરી દેવાઈ છે અથવા તો તેને અન્યમાં ભેળવી દેવાઈ છે. આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે માહિતી અધિકારના કાયદા હેઠળ આરબીઆઈએ તેમને આ માહિતી આપી છે. વર્ષ 2020-21માં શાખાઓ બંધ કરવા અને વિલયની પ્રક્રિયાને કારણે બેંક ઓફ બરોડાની સૌથી વધુ 1283 શાખાનું અસ્તિત્વ ખત્મ થઈ ગયું છે. 
વિલયની પ્રક્રિયા હેઠળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 332, પંજાબ નેશનલ બેંકની 169, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની 124, કેનેરા બેંકની 107, ઇન્ડિયન ઓવરસીઝ બેંકની 53, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની 43, ઇન્ડિયન બેંકની પ અને બેંક ઓફ મહારાષ્ટ્ર તથા પંજાબ અને સિંધ બેંકની એક-એક શાખા બંધ કરાઈ છે. બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંકની કોઈ શાખા સમીક્ષા સમય દરમિયાન બંધ કરાઈ નથી. 

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer