દેશમાં કોરોનાના ચાર લાખથી વધુ કેસ : 3.86 લાખથી વધુ દર્દી સાજા

12 રાજ્યમાં 80 ટકા સક્રિય કેસ, ચાર હજારથી વધુનાં મોત
નવી દિલ્હી, તા. 9?:? દેશનાં સૌથી મોટા લોકતંત્રમાં હરવા-ફરવા, કમાણી કરવા, રોજી રળવાના મૂળભૂત અધિકારો પણ છીનવી લેનાર કાળમુખા કોરોનાએ જનજીવનનાં ચક્રો થંભાવી દીધા છે. ભારતમાં રવિવારે લગાતાર પાંચમાં દિવસે ચાર લાખથી વધારે નવા દર્દી ઉમેરાયા હતા, તો ચાર હજારથી વધુ દર્દીનાં મોત આજે પણ થયા હતા.
સતત વધી રહેલાં સંક્રમણથી ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા આંકડા પણ સામે આવ્યા છે. દર્દીઓ સાજા થવાના મોરચે આજે વિક્રમ સર્જાયો હતો અને 3.86 લાખથી વધુ દર્દી વાયરસમુક્ત થયા છે. દેશના વિવિધ ભાગોમાં આજે વધુ 4092 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 2,42,362 દર્દીના મોત થઈ ચૂકયાં છે.
ભારતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 4,03,738 નવા દર્દી સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 2.22 કરોડને આંબી 2 કરોડ, 22 લાખ, 96,414 પર પહોંચી ગઈ છે.
દેશના વિવિધ ભાગોમાં રવિવારે 3,86,444 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં સાજા દર્દીની સંખ્યા 1.83 કરોડને પાર કરી જઈ 1 કરોડ, 83 લાખ 17,404 પર પહોંચી ગઈ છે. દરમ્યાન ભારતમાં આજે લાંબા સમય બાદ 20 હજારથી ઓછા 18,356 સક્રિય કેસોના ઉમેરા સાથે આજની તારીખે 37,36,348 સંક્રમિતો સારવાર હેઠળ છે. 

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer