ભારતમાં કોરોનાની ગતિ પર બ્રૅક મુશ્કેલ : હૂની ચેતવણી

જીનેવા, તા.9 : વર્લ્ડ હેલ્થ અૉર્ગેનાઈઝેશન (હુ)ના ટોચના વૈજ્ઞાનિકે કોરોના અંગે ભારત માટે ચિંતાજનક દાવો કર્યો છે. જે અનુસાર ભારતમાં ફેલાયેલા કોરોનાની રફતારને રોકવી સરળ નથી. વાયરસ સતત બદલાઈ રહ્યો હોવાથી બની શકે કે તેની સામે વેક્સિન પણ બેઅસર સાબિત થાય !
હુના ચીફ સાઈન્ટિસ્ટ ડૉ.સૌમ્યા સ્વામિનાથને શનિવારે કહ્યુ કે ભારતમાં ફેલાઈ રહેલો કોરોના વાયરસનો નવો વેરિયન્ટ વધુ ચેપી છે. એટલા માટે જ ભારતમાં કોરોનાનું આટલું સ્ફોટક રૂપ જોવા મળી રહ્યુ છે. 
ભારતમાં ફેલાયેલો કોરોના વેરિયન્ટ બી.1.617 ગત ઓક્ટોબરમાં પહેલીવાર સામે આવ્યો હતો. મહામારીના ઝડપથી વ્યાપક ફેલાવા પાછળ આ વેરિયન્ટ જવાબદાર છે. બી.1.617ને તાજેતરમાં ડબલ્યુએચઓએ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યો હતો. અત્યાર સુધીમાં તેના 3 રૂપ બની ચૂકયા છે. 
ભારતમાં કોરોનાની સ્ફોટક સ્થિતી માટે માત્ર કોરોનાનું આ રૂપ જવાબદાર નથી. તેમણે કહ્યુ કે દેશ નિશ્ચિંત બની ગયો હતો. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા હતા. ભારત જેવા ગીચ દેશમાં નાના પાયે ટ્રાન્સમિશન શરૂ થયા બાદ તે લાંબો સમય સુધી ફેલાતું રહે છે. શરૂઆતના સંકેતો ધ્યાને ન લેવાયા જ્યારે તે ઝડપથી પ્રસરી રહ્યો હતો. હવે તેને નિયંત્રણમાં લેવુ મુશ્કેલ છે કારણ કે બહોળી વસતી તેમાં સામેલ છે. 
વધુમાં તેમણે કહ્યુ કે 1.3 અબજથી વધુ વસતી ધરાવતાં ભારતમાં માત્ર ર ટકા લોકો સંપુર્ણ રીતે વેક્સિનથી સુરક્ષિત છે. આવી સ્થિતીમાં માત્ર વેક્સિનની મદદ અપુરતી છે. સ્વાસ્થ્ય સેવાને સુધારવી પડશે. સંક્રમણ રોકવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer