અનેક રાજ્યોમાં લૉકડાઉન લંબાવી નિયંત્રણોમાં સખતાઈ

નવી દિલ્હી તા.9 : કોરોનાને કાબૂ કરવા દેશમાં વિવિધ રાજય સરકારોએ લોકડાઉન લંબાવી નિયંત્રણોમાં સખતાઈ વધારી છે. દિલ્હીએ સોમવારથી લોકડાઉનને વધુ એક સપ્તાહ લંબાવ્યુ છે તો યુપીમાં 17 મે સુધી કોરોના કફર્યૂ લંબાવવામાં આવ્યો છે. તમામ શાળાઓ, કોલેજ, કોચિંગ કલાસીસ 20 મે સુધી બંધ કરાયા છે. ઓનલાઈન કલાસીસની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ગુજરાતમાં અધકચરા લોકડાઉનને કારણે સ્થિતી નિયંત્રણમાં આવી ન રહ્યાની ફરિયાદો ઉઠી છે.
દિલ્હીમાં લોકડાઉન દરમિયાન મેટ્રો ટ્રેન બંધ રહેશે અને લગ્ન સમારોહ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઈને લગ્ન કરવા હોય તો પોતાના ઘેર અથવા કોર્ટમાં 20 લોકોની મર્યાદામાં કરી શકશે. રાજસ્થાન સરકારે 24 મે સુધીનું સખત લોકડાઉન જાહેર કર્યુ છે. મોટાભાગની રાજય સરકારો અનુસાર લોકડાઉનથી સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને રોજિંદા એકિટવ કેસ નોંધપાત્ર રીતે ઘટયા છે. વિવિધ રાજયોએ બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી નાખી છે. 
જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લામાં લાગૂ લોકડાઉનને 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ આયોજન બંધ કરાયા છે. લગ્ન સમારોહમાં માત્ર રપ વ્યક્તિની છૂટ રહેશે. તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરીમાં સોમવારથી 24 મે સુધી સંપુર્ણ લોકડાઉન રહેશે. આવશ્યક સેવાઓ બાદ કરતાં સરકારી કચેરીઓ બંધ કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન કોઈ વ્યક્તિ બહાર નિકળી શકશે નહીં. કેરળમાં 16 મે અને મિઝોરમ, મણિપુરમાં 17 મે સુધી લોકડાઉન અમલી રહેશે. જીવન જરૂરીયાતની ચીજોની દુકાનો સાંજે 7:30 સુધી ખુલ્લી રહેશે. ગોવામાં 23 મે સુધી સખત કોરોના કફર્યૂ લાદવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના પુનામાં વિકેન્ડ લોકડાઉન સાથે નિયંત્રણો વધુ સખત બનાવવામાં આવ્યા છે. હિમાચલના 4 જિલ્લામાં લોકડાઉન જેવા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. 

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer