પ્રસિદ્ધ સાહિત્યકાર ધીરુભાઈ પરીખની ચિરવિદાય

પ્રસિદ્ધ સાહિત્યકાર ધીરુભાઈ પરીખની ચિરવિદાય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ધીરુભાઈ ઇશ્વરભાઈ પરીખનું આજે અમદાવાદમાં અવસાન થયું છે. તેમની વય 87 વર્ષ હતી. વીરમગામમાં 31મી અૉગસ્ટ, 1933ના દિવસે જન્મેલા ધીરુભાઈ પરીખે કવિતા અને ટૂંકી વાર્તા લખ્યા છે. તેઓ વિવેચન પણ કર્યું હતું. જાણીતા સામયિકો- કુમાર અને કવિલોકનું તંત્રી પદ પણ શોભાવ્યું હતું.
ધીરુભાઈ પરીખની ટૂંકી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ- પહેલુ રૂદન વર્ષ 1951માં પ્રકાશિત થયો હતો. તેમના ટૂંકી વાર્તાના અન્ય સંગ્રહો કંટકની ખુશ્બુ અને પરાજિત વિજય અનુક્રમે વર્ષ 1964 અને 1979માં પ્રકાશિત થયા હતા. તેમના કાવ્યસંગ્રહોમાં ઉઘાડ, છપ્પા (વ્યંગાત્મક કાવ્યો), આગિયા (હાઈકુ સંગ્રહ), હરી ચયા અડફેટે, શિખર બેઠા સ્થિતિપ્રજ્ઞ, તેમજ સ્ટેશન અને ટ્રેનનો સમાવેશ થાય છે. તેમણે ગુજરાતી ગ્રંથકાર શ્રેણી હેઠળ રાજેન્દ્ર શાહનું જીવનચરિત્ર લખ્યું હતું.
ધીરુભાઈ પરીખને 1971માં કુમારચંદ્રક, વર્ષ 2004માં સ્વામી સચ્ચિદાનંદ સન્માન, વર્ષ 2006માં પ્રેમચંદ સુવર્ણચંદ્રક, તેમજ વર્ષ 2008માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક વડે નવાજવામાં આવ્યા હતા.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer