પાલિકા દ્વારા ચોમાસા પહેલાની તૈયારી પૂરજોશમાં

પાલિકા દ્વારા ચોમાસા પહેલાની તૈયારી પૂરજોશમાં
મુંબઈ, તા. 9 : ચોમાસું નજીક આવી રહ્યું છે અને પાલિકાએ  જોરદાર તૈયારી શરૂ કરી છે. નાળાસફાઈ,  પાણી ભરાવાના સ્થળો, રસ્તાના કામ અને કોસ્ટલ રોડના કામની ગતિ જાળવી રાખવા માટે યુદ્ધ સ્તરે પ્રયત્નો થઇ રહ્યા છે. પ્રશાસને 31મી મે પહેલા કામ પૂરા કરવાનું તમામ વિભાગોને જણાવી દીધું છે. 
આ વખતે નાળા સફાઈ માટે 70 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. ગયા વર્ષે મીઠી નદી અને નાના-મોટા નાળામાંથી 504125 મેટ્રિક ટન ગાળ કાઢવામાં આવ્યો હતો આ વખતે 685358 ટન ગાળ કાઢવાનું લક્ષ્ય છે. એપ્રિલના અંત સુધીમાં નાળાઓમાંથી 2.25 લાખ ટન અને મીઠી નદીમાંથી દોઢ લાખ ટન ગાળ કાઢવામાં આવ્યો છે. 
પાણી ભરાવાના સ્થળો : 
ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાવાના 406 સ્થળ શોધી કાઢવામાં આવ્યા છે અને ત્યાં જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાંથી 370 સ્થળે કામ પૂરું થઈ ગયું છે. ચોમાસાના પાણીના નિકાલ માટે આ વખતે 470 પંપ ભાડે લેવામાં આવશે. વીજાવિતરણ કંપનીઓને પણ ચોમાસાની દ્રષ્ટિએ જરૂરી ઉપાયો કરવાનું કહેવામાં આવ્યું છે. 
હિંદમાતા, ગાંધી માર્કેટનો પ્રશ્ન :  
દર વર્ષે પરેલના હિંદમાતા અને સાયનના ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાય છે. આયોજનબદ્ધ કામને લીધે હવે ત્યાં પાણીનો નિકાલ ઝડપથી થાય છે એવો પાલિકાનો દાવો છે. આ બંને સ્થળે ભૂમિગત ટાંકીઓ બાંધવામાં આવી છે. ચોમાસામાં અહીં પાણી ભરાશે તો એ પાણી આ ટાંકીઓમાં છોડવામાં આવશે અને ભરતી ઓસર્યા બાદ દરિયામાં છોડવામાં આવશે, આથી પાણી ભરાશે નહીં એવું પાલિકાના અતિરિક્ત કમિશનર પી. વેલરાસુએ જણાવ્યું છે. ગાંધી માર્કેટ વિસ્તારમાં કલાકે 16000 ઘનમીટર પાણી ઉલેચી શકે એવા બે પર બેસાડવામાં આવ્યા છે. 200 મિ.મી.વ્યાસની પાઇપલાઇનથી આ પાણી ભારતનગર રેલવે નાળા પાસે છોડવામાં આવશે. તેનું 30 ટકા કામ પૂરું થયું છે અને બાકીનું કામ ચોમાસા પહેલા પૂરું થશે. 
ચોમાસાને અનુલક્ષીને મુંબઈની વિવિધ સરકારી યંત્રણા વચ્ચે યોગ્ય સમન્વય માટે પાલિકા કમિશનરની અધ્યક્ષતા હેઠળ તાજેતરમાં એક વર્ચ્યુઅલ માટિંગ પણ યોજાઇ હતી જેમાં મધ્ય-પશ્ચિમ રેલવે, પોલીસ, નોકાદળ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, હવામાન વિભાગ, એમએમઆરડીએ, મ્હાડા, મુંબઈ મેટ્રો, જાહેર બાંધકામ વિભાગ, બેસ્ટ અને વીજ વિતરણ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer