કોરોના રસીના પરીક્ષણ બાદ 12 વાનરને જંગલમાં મુક્ત કરાયા

કોરોના રસીના પરીક્ષણ બાદ 12 વાનરને જંગલમાં મુક્ત કરાયા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : કોરોનાની રસીના પરીક્ષણ લાલ મોઢાવાળા 12 વાનર (માકડાં) પર કરવામાં આવેલા એ તમામ વાનરો વિદર્ભના જંગલમાં મુક્ત કરી દેવાયા છે. આ વાનરોને વિદર્ભના જંગલમાંથી પકડવામાં આવેલા અને પુણેની રાષ્ટ્રીય વિષાણુ પ્રયોગશાળાના સંશોધકો તેમના પર અભ્યાસ કરતાં હતા. 
રસીને લીધે વાંદરાના શરીરમાંના જિન્સમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ એનો અને વાનરમાં રસીને કારણે રોગપ્રતિકાર શક્તિ પેદા થાય છે કે કેમ એનો અભ્યાસ કરાયો હતો.  કોરોનાની રસી બજારમાં આવી એ પહેલા સાત મહિના સુધી આ વાનરો પર અભ્યાસ કરાયો હતો. શનિવારે આ વાનરોને નાગપુરના ટ્રાન્ઝિટ ટ્રિટમેન્ટ સેન્ટરમાંથી વિદર્ભના તેમના મૂળ અધિવાસમાં છોડવામાં આવ્યા હતા. 
પુણેની એનઆઈવી પ્રયોગશાળાના સંશોધકો પર વાનરોમાં રસીને કારણે કોઈ ફેરફાર થાય છે કે કેમ એના પર સુક્ષ્મ નજર રાખીને બેઠાં હતા. જોકે સદનસીબે વાનરો પર કોઈ વિપરિત અસર દેખાઈ નહોતી. લોકો માટે રસી વાપરવાનો માર્ગ સાફ થયો એ બાદ વાનરોને જે જંગલમાંથી પકડવામાં આવેલા એ જંગલમાં ફરીથી મુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. 

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer