તપાસ સમિતિને સિવિલ કોર્ટની સમકક્ષ સત્તા

તપાસ સમિતિને સિવિલ કોર્ટની સમકક્ષ સત્તા
દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપ
મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્ર સરકારે રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવાયેલા ભ્રષ્ટાચારના કેસમાં આરોપોની તપાસ કરવા માટે બનાવેલી ન્યાયાધીશ ચાંદીવાલ સમિતિને સિવિલ કોર્ટ જેટલા પાવર સોંપ્યા છે. 
મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ વીસમી માર્ચે લખેલા પત્રમાં સિંહ દ્વારા દેશમુખ પર મૂકાયેલા આરોપોની ન્યાયિક તપાસ કરવા માટે 30 માર્ચે એક સભ્યની સમિતિ બનાવી હતી. આ સમિતિમાં સેવા નિવૃત્ત ન્યાયાધીશ ઉત્તમચંદ ચાંદીવાલ છે. 
સિંહને મુંબઇ પોલીસ કમિશનર પદ પરથી બદલી કરીને રાજ્યના હોમ ગાર્ડસના ડીજીપી બનાવ્યા બાદ સિંહે મુખ્યપ્રધાન ઠાકરેને પત્ર લખ્યો હતો. ત્રીજી મેએ બહાર પાડેલા પરિપત્રમાં રાજ્ય સરકારે તપાસ સમિતિને સિવિલ કોર્ટના પાવર્સ આપી દીધા છે. 
સિંહે આરોપ મૂકયો હતો કે દેશમુખે કેટલાક પોલીસ અધિકારીઓને મુંબઇનાં બાર એન્ડ રેસ્ટોરાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસુલવાનો ટાર્ગેટ આપ્યો હતો.      
દરમિયાન દેશમુખે પોતાની પર મૂકાયેલા તમામ આરોપો ફગાવી દીધા છે. તેમણે પાંચમી એપ્રિલે બોમ્બે હાઇકોર્ટ દ્વારા સીબીઆઇને પ્રાથમિક તપાસના આદેશ બાદ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. સીબીઆઇએ દેશમુખ સામે એફઆઇઆર નોંધી નાગપુર અને મુંબઈમાં તેના દસ ઠેકાણે છાપેમારી કરી હતી.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer