કોરોના વિરુદ્ધની લડતમાં ખાનગી તબીબોની ભૂમિકા અગત્યની : ઠાકરે

કોરોના વિરુદ્ધની લડતમાં ખાનગી તબીબોની ભૂમિકા અગત્યની : ઠાકરે
ટાસ્ક ફૉર્સે ખાનગી તબીબોને માર્ગદર્શન આપ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : કોરોનાના લક્ષણ નહીં ધરાવતા દરદીઓ હૉસ્પિટલમાં દાખલ થતા હોવાથી ખરેખર જરૂર હોય એવા દરદીઓને બિછાના મળતા નથી. કોરોનાના દરદી વિલંબથી હૉસ્પિટલમાં દાખલ થતા હોવાથી યોગ્ય તબીબી સારવારમાં વિલંબ થાય છે, તેથી ફેમિલી ડૉક્ટરએ દરદીને ચોકસાઈપૂર્વક તપાસવો જોઈએ અને તત્કાળ સારવાર શરૂ કરવી જોઈએ. દરદીની તબિયત ઉપર સતત ધ્યાન રાખીને તેને માનસિક આધાર આપવો જોઈએ. તબિયત ખરાબ થતી જણાય તો તત્કાળ હૉસ્પિટલમાં દાખલ કરવો જોઈએ એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે 700 જેટલા ખાનગી ડૉક્ટરોને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. ઠાકરેએ જણાવ્યું હતું કે કોરોનાના મુકાબલામાં ફેમિલી ફિઝીશીયનોની ભૂમિકા અગત્યની છે. ખાનગી ડૉક્ટરોએ કોવિડ-19 કેરસેન્ટર અને જમ્બો ફિલ્ડ હૉસ્પિટલોની કેન્સલ્ટેશન માટે નામ રજિસ્ટર કરાવવું જોઈએ અને ત્યાં દરદીઓને સલાહસૂચન આપવા જોઈએ. મહારાષ્ટ્રમાં અૉક્સિજનનું ઉત્પાદન 1270 ટન થાય છે. જોકે કોરોનાના કેસોમાં વધારો થતાં અૉક્સિજનની માગણી 1700 ટન સુધી પહોંચી છે. અૉક્સિજનની બાબતમાં સ્વાવલંબી થવા અમે ટૂંકા અને લાંબાગાળાની યોજના ઘડી છે એમ ઠાકરેએ ઉમેર્યું હતું.
આ મુલાકાતમાં કોવિડ-19 અંગે મહારાષ્ટ્રના ટાસ્ક ફોર્સના ડૉ. સંજય ઓક, ડૉ. શશાંક જોશી, ડૉ. રાહુલ પંડિત અને ડૉ. તાત્યારાવ લહાણેએ ખાનગી તબીબો અને ફેમિલી ફિઝિશિયનોને કોવિડ-19ની સારવારના પ્રોટોકોલ વિશે માહિતી આપી હતી. આ બેઠકમાં અગ્રણી તબીબોએ ખાનગી તબીબોને કોરોનાગ્રસ્તોની સારવારમાં સ્ટેરોઇડનો ઉપયોગ છ મિનિટ ચાલવાનું મહત્ત્વ, દરદીને અૉક્સિજન આપવાની જરૂર છે એમ ક્યારે સમજવું, દરદીમાં અૉક્સિજનનું પ્રમાણ ઘટયું એ કેવી રીતે જાણવું, કોરોનામાંથી સાજા થનારાઓમાં મ્યુક્રોમીકોસીસ-એ ફંગલ ઇન્ફેક્શનની સારવાર, વેન્ટિલેટર ઉપરના દરદીની સારવાર તેમ જ એન્ટી-વાયરસ દવા રેમડેસિવિરના ઉપયોગ વિશે માહિતી આપી હતી.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer