હિમંત બિસ્વ સરમા બનશે આસામના આગામી મુખ્ય પ્રધાન

હિમંત બિસ્વ સરમા બનશે આસામના આગામી મુખ્ય પ્રધાન
સોનોવાલને કેન્દ્રમાં પ્રધાનપદ અપાશે એવા અહેવાલ
નવી દિલ્હી, તા. 9 : આસામમાં ઐતિહાસિક જીત મળ્યા બાદ છ દિવસ બાદ પણ રાજ્યમાં મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો લાગી રહી  હતી. જો કે આ અટકળોને હવે પુર્ણવિરામ મળ્યું છે. આસામના આગામી સીએમ પદના ચહેરાને લઈને લગાડવામાં આવેલા કયાસ વચ્ચે વર્તમાન મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ હેમંત બિસ્વ સરમાને વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. જેનાથી નક્કી થયું છે કે, તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. 
આસામના મુખ્યમંત્રી પદના નામ ઉપર મહોર લગાડવા માટે વિધાયકોની બેઠક થઈ હતી. જેમાં સામેલ થવા માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને સર્બાનંદ સોનોવાલ પહોંચ્યા હતા. શનિવારે બન્ને વરિષ્ઠ નેતા સર્બાનંદ સોનોવાલ અને હિંમત બિસ્વ સરમાને દિલ્હી બોલાવીને વાતચીત કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના કહેવા પ્રમાણે ચાર દોરની વાતચીત બાદ મોડી રાત્રે સરમાને નવા મુખ્યમંત્રી બનાવવા ઉપર સહમતિ બની હતી. ત્યારબાદ ભાજપના વિધાયકોએ બેઠકમાં હિમંત બિસ્વ સરમાના નામને પસંદ કર્યું હતું. 
અગાઉ દાવો કરવામાં આવી રહ્યો હતો કે રવિવારે ગુવાહાટીમાં બેઠક દરમિયાન વર્તમાન મુખ્યમંત્રી સોનોવાલ જ હિંમતના નામનો પ્રસ્તાવ રજૂ કરશે. જેના બદલામાં સોનોવાલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે. સોનોવાલ પહેલા પણ કેન્દ્રીય ખેલ મંત્રી રહી ચુક્યા છે.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer