એન્ડરસન ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારો ખેલાડી બન્યો

એન્ડરસન ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારો ખેલાડી બન્યો
બર્મિંગહામ, તા.10: ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેના બીજા અને આખરી ટેસ્ટનો અહીંના એજબેસ્ટનના મેદાનમાં પ્રારંભ થયો છે. આ મેચમાં ઉતરવા સાથે જ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારો ખેલાડી બની ગયો છે. એન્ડરસનનો આ 162મો ટેસ્ટ મેચ છે. પહેલા એ રેકોર્ડ પૂર્વ સુકાની એલિસ્ટર કૂકના નામે હતો. તેના નામે 161 ટેસ્ટ છે. વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધીમાં ફકત નવ ખેલાડી જ 150 પ્લસ ટેસ્ટ મેચ રમી શકયા છે. આ સૂચિમાં એન્ડરસન એકમાત્ર સક્રિય ખેલાડી છે. 200 ટેસ્ટ સાથે આ સૂચિમાં સચિન તેંડુલકર ટોચ પર છે. એ પછી ઓસ્ટ્રેલિયાના રીકિ પોન્ટિંગ અને સ્ટી વો (168-168)ના નામે આવે છે. દ. આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલિસે 166, વેસ્ટ ઇન્ડિઝના શિવનારાયણ ચંદરપૌલે અને ભારતના રાહુલ દ્રવિડે 164-164 ટેસ્ટ મેચ રમ્યા છે. એ પછી એન્ડરસન અને કૂકના નંબર આવે છે. એન્ડરસન 600 ટેસ્ટ વિકેટ લેનારો વિશ્વનો એકમાત્ર ઝડપી બોલર છે. તેના નામે હાલ 161 ટેસ્ટમાં 616 વિકેટ છે. ઓવરઓલ સૌથી વધુ વિકેટ મામલે તે ચોથા નંબરે છે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer