આજથી પ્રતિષ્ઠિત યુરો કપ ફૂટબૉલ ટુર્નામેન્ટનો પ્રારંભ

આજથી પ્રતિષ્ઠિત યુરો કપ ફૂટબૉલ ટુર્નામેન્ટનો પ્રારંભ
રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ પર ખિતાબ બચાવવાનું દબાણ: પહેલીવાર 11 દેશમાં રમાશે
રોમ, તા.10: ફિફા વર્લ્ડ કપ પછીની ફૂટબોલ જગતની સૌથી વધુ લોકપ્રિય ટૂર્નામેન્ટ યૂએફા (યૂરોપીયન ફૂટબોલ ચેમ્પિયનશિપ) યૂરો કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ આવતીકાલ તા. 11 જૂનથી થશે. પહેલા મેચમાં તૂર્કિની ટક્કર ઇટાલી સામે થશે. જે ભારતીય સમય અનુસાર તા.12મીએ રાત્રે 12-30 વાગ્યાથી શરૂ થશે. આ વખતે યૂરો કપમાં 24 ટીમ આમને-સામને હશે. જેમાં ચાર-ચારના છ ગ્રુપમાં રાખવામાં આવી છે. ફાઇનલ મુકાબલો 11 જુલાઇએ થશે. કોરોના મહામારીને લીધે યૂરો કપ એક વર્ષ સ્થગિત થયા બાદ હવે આ વર્ષે રમાઇ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે યૂરો કપના મેચ 11 દેશના 11 શહેરમાં રમાશે.
જેમાં અઝરબેજાનનું શહેર બાકૂ, ડેનમાર્કનું કેપનહોગન, ઇંગ્લેન્ડનું લંડન, જર્મીનનું મ્યુનિચ, હંગેરીનું બુડાપોસ્ટ, ઇટાલીનું રોમ, નેધરલેન્ડસનું એમ્સટરડેમ, રોમાનિયાનું બુખારેસ્ટ, રશિયાનું સેંટ પીટર્સબર્ગ, સ્કોટલેન્ડનું ગ્લાસ્ગો અને સ્પેનનું શહેર સેવિલ સામેલ છે.
આ વખતના યૂરો કપમાં સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલ ખિતાબ બચાવવા મેદાને પડશે. 2016માં પોર્ટૂગલે ફાઇનલમાં ફ્રાંસને હરાવીને પહેલીવાર ટ્રોફી જીતી હતી. અત્યાર સુધીમાં 1પ યૂરો કપમાં 10 દેશ ચેમ્પિયન બન્યા છે. જર્મની અને સ્પેન સૌથી વધુ ત્રણ-ત્રણ વખત વિજેતા બન્યા છે. ફ્રાંસના નામે બે યૂરો કપ ટાઇટલ છે. જ્યારે સોવિયત યૂનિયન, ઇટાલી ચેકોસ્લોવેકિયા, નેધરલેન્ડસ, ડેનમાર્ક, ગ્રીસ અને પોર્ટૂગલ એક-એક વખત ચેમ્પિયન બન્યા છે.
24 ટીમ 6 ગ્રુપમાં છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ પ્રી કવાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે. જ્યારે દરેક ગ્રુપની ત્રીજા નંબરની ટીમોમાંથી ટોચની ચાર ટીમને રાઉન્ડ-16માં એન્ટ્રી મળશે. પ્રી કવાર્ટર બાદ કવાર્ટર, સેમિ અને પછી ફાઇનલ જંગ ખેલાશે. આખરી ત્રણ મેચ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે આવતીકાલે પહેલો મેચ રોમ ખાતે રમાશે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer