સેમિ ફાઇનલમાં આજે જોકોવિચ-નડાલ વચ્ચે મહા મુકાબલો

સેમિ ફાઇનલમાં આજે જોકોવિચ-નડાલ વચ્ચે મહા મુકાબલો
ફ્રૅન્ચ અૉપનની બીજી સેમિમાં બે યુવા ખેલાડી જ્વેરેવ અને સિટસિપાસ સામસામે
પેરિસ, તા.10: ફ્રેંચ ઓપનના મેન્સ સેમિ ફાઇનલમાં શુક્રવારે મહા ટકકર થશે. દુનિયાના બે મહાન ખેલાડીમાં સામેલ નોવાક જોકોવિચ અને રાફેલ નડાલ સેમિ ફાઇનલમાં આમને-સામને હશે. નડાલ ફ્રેંચ ઓપનમાં 13 વખત ચેમ્પિયન બનવાનો રેકોર્ડ ધરાવે છે. જયારે જોકોવિચ રોલાન્ડ ગેરોસની લાલ માટી પર ફકત એક જ વખત ચેમ્પિયન બન્યો છે. જોકોવિચ-નડાલની ટકકરને વિવેચકોએ `અલ કલાસિકો' નામ આપ્યું છે. આ એક સ્પેનિશ શબ્દ છે. જેનો મતબલ છે ઉત્કૃષ્ટ. સ્પેનિશ ફૂટબોલમાં બાર્સિલોના અને રિયલ મેડ્રિડની ટકકરને અલ કલાસ્કો કહેવામાં આવે છે.
બુધવારે રમાયેલા કવાર્ટર ફાઇનલમાં નંબર વન જોકોવિચે વર્લ્ડ નંબર 9 માતિયો બેરેતિનીને 6-3, 6-2, 6-7 અને 7-પથી હાર આપી હતી. જયારે વર્લ્ડ નંબર ત્રણ સ્પેનના રાફેલ નડાલે 10મા ક્રમના આર્જેન્ટિનાના ખેલાડી ડિએગો શ્વાર્ટજમેનને 6-3, 4-6, 6-4 અને 6-0થી હાર આપીને સેમિમાં જગ્યા બનાવી હતી. ફેંચ ઓપનનો બીજો સેમિ ફાઇનલ મેચ જર્મનીના વર્લ્ડ નંબર 6 એલેકઝાંડર જ્વેરેવ અને ગ્રીસના પાંચમા ક્રમના ખેલાડી સિટસિપાસ વચ્ચે થશે. 
હેડ ટૂ હેડ
નડાલ અને જોકોવિચ વચ્ચે અત્યાર સુધીમાં પ7 મેચમાં ટકકર થઇ છે. જેમાં જોકોવિચનો 29 મેચમાં અને નડાલનો 28 મેચમાં વિજય નોંધાયો છે. જયારે ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટમાં બન્ને 16 વખત આમને-સામને આવ્યા છે. જેમાં નડાલ 10 જીત સાથે લીડ ધરાવે છે. કલે કોર્ટ પરની 26 મેચની ટકકરમાં નડાલ 19 જીત સાથે પ્રભુત્વ ધરાવે છે. જયારે જોકોવિચને કલે કોર્ટ પર નડાલ વિરૂધ્ધ ફકત 7 જીત નસીબ થઇ છે. નડાલના નામે કુલ 20 ગ્રાંડસ્લેમ ખિતાબ અને જોકોવિચના નામે 18 ગ્રાંડસ્લેમ ટાઇટલ છે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer