નવા આઇટી પોર્ટલ હેઠળ ટૅક્સ ચુકવણીની સુવિધા 18 જૂનથી શરૂ થશે

નવા આઇટી પોર્ટલ હેઠળ ટૅક્સ ચુકવણીની સુવિધા 18 જૂનથી શરૂ થશે
રિટર્ન ભરવાની સાથે જ રિફન્ડની પ્રક્રિયા શરૂ થશે
મુંબઈ, તા. 10 : આવકવેરા વિભાગે શરૂ કરેલા નવા આઇટી પોર્ટલમાં શરૂઆતમાં આવેલી ખામીની નોંધ લીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે ક્ષતિ દૂર થયા બાદ કરદાતાઓ માટે આઇટી રિટર્ન અને રિફન્ડની પ્રક્રીયા સરળ અને ઝડપી બનશે. એડવાન્સ ટૅક્સ પેમેન્ટના ઇન્સ્ટોલમેન્ટની તારીખ નીકળી ગયા બાદ નવી ટેક્સ પેમેન્ટની સુવિધા 18મી જૂનથી શરૂ થશે, એમ આઇટી વિભાગે જણાવ્યું છે. 
આ પોર્ટલ ઉપર ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની સાથે તરત રિફન્ડના ક્લેઇમની પ્રક્રીયા પણ શરૂ કરવામાં આવશે જેથી કરદાતાઓને રિફન્ડની રકમ સત્વરે મળી શકશે, એમ નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.
કરદાતાઓ માટે સમગ્ર પ્રક્રીયા સરળ - સહજ બનાવવા માટે તમામ ઇન્ટરએક્શન અથવા પેન્ડિંગ એક્શન એક જ ડૅશ બોર્ડ ઉપર રજૂ કરવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે કરદાતાઓને તેમના આગળના કામને શરૂ કરવામાં મદદ મળશે. 
કરદાતાઓની સુવિધા માટે આઇટી વિભાગ આ નવી પોર્ટલ દ્વારા આઇટી રિટર્નની તૈયારી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવા માટે નિ:શૂલ્ક સોફ્ટવૅર પણ આપશે અને આઇટીઆર 1 અને 4 (ઓન લાઇન અને ઓફ લાઇન) આઇટીઆર -2( ઓફ લાઇન)ના ઉપયોગ માટે પ્રશ્નોના ઉત્તર આપતી વ્યવસ્થા પણ આ નવા નિ:શૂલ્ક સોફ્ટવૅરમાં સામેલ કરવામાં આવી હોવાનું આઇટી વિભાગે જણાવ્યુ હતું. 
આઇટી રિટર્ન 3,5,6 અને 7 માટે તૈયારી કરવા માટે માર્ગદર્શન આપતી સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે, એમ આઇટી વિભાગે જણાવ્યું છે. 
કરદાતાઓ દ્વારા ફાઇલ કરવામાં આવેલા રિટર્નનું ફોલો અપ કરવા માટે મોબાઇલ ઍપ અને કૉલ સેન્ટર શરૂ કરવાની યોજના પણ આઇટી વિભાગની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer