માલવણી હોનારત : એક જ પરિવારે નવ વ્યક્તિ ગુમાવી

મુંબઇ, તા. 10 : મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે માલવણી વિસ્તારમાં ઇમારત પડવાની દુર્ઘટનામાં મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું જ્યારે ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવાશે. દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પ્રત્યે શોક વ્યકત કર્યો હતો અને ઇજાગ્રસ્તોને વહેલી તકે સાજા થવાની ઇશ્વરને પ્રાર્થના કરી હતી. આ દુર્ઘટનામાં મૃતકના પરિવારને બે-બે લાખ રૂપિયાનું અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. 
પાલિકા અધિકારીએ જણાવ્યું હતું કે માલવણી વિસ્તારમાં અબ્દુલ હમીદ રોડ પર ન્યૂ કલેકટર કંપાઉન્ડમાં બુધવારે લગભગ રાતે સવા અગિયાર વાગ્યે ત્રણ માળની ઇમારત અડીને આવેલા એક માળના મકાન પર પડતાં આઠ બાળકો સહિત અગિયાર લોકોનાં મોત થયાં હતાં અને 17 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇમારતના કાટમાળમાંથી અગિયાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે અન્ય 17 જણને બચાવી લેવાયા છે. આ દુર્ઘટનામાં સાત જણને ગંભીર ઇજા થઇ છે.
મૃતકોના પરિવારને સાત લાખની સહાય
મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી આવેલા નિવેદન અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દુર્ઘટનામાં લોકોનાં મૃત્યુ પર શોક વ્યકત કર્યો હતો અને ગુરુવારે શતાબ્દી હૉસ્પિટલની મુલાકાત લઇને ઇજાગ્રસ્તોની હાલતની જાણકારી મેળવી હતી. હૉસ્પિટલમાં મુખ્ય પ્રધાનની મુલાકાત વખતે રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે, પાલિકા કમિશનર ચહલ અને મેયર કિશોરી પેડણેકર પણ હાજર રહ્યાં હતાં. પેડણેકર અને પાલક પ્રધાન અસલમ શેખે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.  
આ દુર્ઘટનાની જાણકારી મળતાં જ મુખ્ય પ્રધાને પાલિકા કમિશનર આઇએસ ચહલ સાથે વાતચીત કરી અને સાવધાનીપૂર્વક રાહત તથા બચાવ કાર્ય કરવાના નિર્દેશ આપી ઇજાગ્રસ્તોની સારવાર સરકારી ખર્ચે કરવાના આદેશ આપ્યા હતા. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે અગ્નિશમન દળના તથા અન્ય એજન્સીઓના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્ય શરૂ કર્યું હતું.    
માલવણીમાં રહેનાર રફીક શેખ પોતે બચી ગયા પરંતુ પત્ની સહિત પરિવારના આઠ સભ્યોને ગુમાવ્યા છે. બુધવારે મોડી રાતે ત્રણ માળની ઇમારતના બે માળ અડીને આવેલા મકાન પર પડતાં આઠ બાળકો સહિત અગિયાર જણનાં મૃત્યુ થયાં હતાં. શેખ (45) આ ઇમારતમાં પરિવાર સાથે ભાડા પર રહે છે અને ઇમારત પડવાની થોડી મિનિટ પહેલા તે દૂધ લેવા ઘરની બહાર નીકળ્યા હતા. શેખ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમને વિશ્વાસ જ બેસ્યો નહીં કે તેમનો પરિવાર કાટમાળ નીચે દબાઇ ગયો હતો. તેમણે પત્ની, ભાઇ, ભાભી અને બંને પરિવારોનાં છ બાળકો આ દુર્ઘટનામાં ગુમાવ્યાં છે. શેખે જણાવ્યું હતું કે પરિવારના અન્ય સભ્ય કાટમાળમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા. તેના પરિવારમાં 16 વર્ષનો પુત્ર બચી ગયો છે જે આ દુર્ઘટના સમયે દવા ખરીદવા ઘરની બહાર ગયો હતો. 
શેખે જણાવ્યું હતું કે જ્યારે દુર્ઘટના બની હતી ત્યારે હું સવારની ચા માટે દૂધ લેવા ગયો હતો. હું અજાણ હતો કે ઇમારત જર્જરિત હાલતમાં હતી. મારા પરિવારને ઇમારત પડતી વખતે ઘરની બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો. હું જ્યારે પરત આવ્યો ત્યારે સ્થાનિક નાગરિકો બચાવ દળના આવતા પહેલા કાટમાળ હટાવી રહ્યા હતા. 
એક સ્થાનિક નિવાસીએ દાવો કર્યો હતો કે વિસ્તારમાં મોટા ભાગની ઇમારત ગેરકાયદે બની છે અને વિના પરવાનગી આ ઇમારતોને ત્રણથી ચાર માળમાં રૂપાંતર કરવામાં આવી હતી. આ મોટા ભાગની ઇમારતોના માલિક અન્યત્ર રહે છે અને આ મકાન ગરીબોને ભાડાં પર આપી દેવાયાં છે. માલવણી વિસ્તારમાં અબ્દુલ હમીદ રોડ સ્થિત કલેકટર પરિસરમાં આ ઇમારત બુધવારે મોડી રાતે લગભગ 11.15 વાગ્યે ખાબકી હતી.
માલિક અને કૉન્ટ્રેકટર સામે  સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ     
જોઇન્ટ પોલીસ કમિશનર (કાયદા) વિશ્વાસ નાગરે પાટીલે જણાવ્યું હતું કે આ ઇમારત ગેરકાયદે બનાવાઇ હતી અને તેના માળખામાં ખામીઓ હતી. ઇમારતને તૌકતે વાવાઝોડાને પગલે ભારે નુકસાન પહોંચ્યું હતું. તપાસ દરમિયાન માલિક અને કૉન્ટ્રેકટરની બેદરકારી સામે આવી છે અને બંને સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે.  
કૉન્ટ્રાકટરની ધરપકડ 
માલવણીમાં ત્રણ માળની ઇમારતના બે માળ બાજુના એક માળના મકાન પર પડતાં આઠ બાળકો સહિત અગિયારનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે 17 જણને ઇજા થઇ હતી.  મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે માલવણીમાં અબ્દુલ હમીદ રોડના ન્યૂ કલેકટર કંપાઉન્ડમાં બુધવારે રાતે સવા અગિયાર વાગ્યે આ દુર્ઘટના બની હતી. ઇમારતના કુલ ચાર માળ પડી ગયા હતા. આ ઇમારતનું નિર્માણ ગેરકાયદે કરાયું હતું આ મામલે કૉન્ટ્રાકટરની ધરપકડ કરાઇ છે. તેની સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. આ દુર્ઘટના બાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 304 હેઠળ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇમારતના કૉન્ટ્રાકટર અને માલિક સામે ગુનો નોંધાયો છે. પૂછપરછ માટે કૉન્ટ્રાકટરને કસ્ટડીમાં લેવાયો છે.  
ધડાકાથી મને લાગ્યું વાવાઝોડું આવ્યું : ઇજાગ્રસ્ત
માલવણીની દુર્ઘટનામાં બચી ગયેલા ઇજાગ્રસ્ત રૂબીના શેખે ગુરુવારે જણાવ્યું હતું કે મારા ઘર પર મોટો અવાજ સંભળાયો હતો અને મને લાગ્યું કે વાવાઝોડું આવ્યું એટલે હું જીવ બચાવવા ઘરની બહાર ભાગી હતી, પરંતુ દીવાલના માળખા નીચે ફસાઇ ગઇ હતી. બચાવ કાર્યની ટીમે બાદમાં રૂબીનાને કાટમાળમાંથી બચાવી લીધી હતી. રૂબીનાને નજીવી ઇજા થઇ હતી અને તેને પ્રાથમિક સારવાર આપીને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી. મેં મારું ઘર ગુમાવ્યું છે અને ગુમાવવા માટે મારી પાસે કંઇ બચ્યું નથી એવુ રુદન રૂબીનાએ કર્યું હતું.
Published on: Fri, 11 Jun 2021

© 2022 Saurashtra Trust