અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મુંબઈ પોલીસમાં ફરજ બજાવતા નાસિર શેખ પોતાની પત્ની રેહાના શેખ (40)ને મધર ટેરેસા કહીને સંબોધે છે. રેહાના છ જણના પરિવારનું ધ્યાન રાખવા ઉપરાંત પોલીસ નાઈક તરીકે મુંબઈમાં નોકરી પણ કરે છે. તાજેતરમાં તેણે સબ-ઈન્સ્પેકટરની પરીક્ષા પણ આપી અને એ ઉપરાંત કોરોનાને કારણે તકલીફમાં આવી ગયેલા લોકોને તે મદદ પણ કરે છે. આમ તે માનવતાની સાથે સાથે પોતાનામાંની ઉર્જાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
શરૂઆતમાં રેહાના શેખે સ્કૂલના 50 ગરીબ બાળકોને દત્તક લીધા હતા. પછી સેવાનું કામ વિસ્તારી 54 લોકોને હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, પ્લાઝમા અને બ્લડ મળે એની વ્યવસ્થા કરી. રેહાનાની માનવતા અને ઉર્જાને જોઈ મંગળવારે પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ તેનું સર્ટિફિકેટ આપી સન્માન પણ કર્યું હતું.
રેહાના કહે છે કે અમે મારી દીકરીનો જન્મદિવસ ઉજવવાની તૈયારીમાં હતા ત્યારે મને રાયગઢ જિલ્લામાં વાજે તાલુકાની જ્ઞાની વિદ્યાલયના ગરીબ બાળકોની ખબર પડી. મેં પ્રિન્સિપાલ સાથે વાત કરી અને તેમણે સ્કૂલમાં આવવાનું મને આમંત્રણ આપ્યું હતું. નાના નાના બાળકો ગરીબ પરિવારમાંથી આવતા હતા. ઘણાના પગમાં ચંપલ પણ નહોતા. મારી દીકરીના બર્થ-ડે ઉજવણીના અને ઈદની ખરીદીના જે પૈસા સાચવેલા મેં એ પૈસા બાળકોની મદદ માટે વાપર્યા. એ ઉપરાંત આ બાળકોનો દસમા ધોરણ સુધીનો ખર્ચ પણ ઉપાડી લીધો હતો.
રેહાનાના પિતા અબ્દુલ નબી બાગવાન મુંબઈ પોલીસમાંથી સબ-ઈન્સ્પેકટર તરીકે રિટાયર થયા છે. જ્યારે રેહાનાએ અત્યાર સુધી લોકલ આર્મ્ડ ડિવિઝન, ભોઈવાડા અને વીપી રોડ પોલીસ સ્ટેશનમાં તથા પ્રોટેકશન એન્ડ સિક્યોરિટી બ્રાંચમાં ફરજ બજાવી છે. પોલીસની આકરી ડ્યૂટીની સાથે સાથે તેનું હૃદય કરુણાથી છલકાય છે.
એ કહે છે કે ગયા મહિને મારી મોટી બહેન અસાધ્ય બીમારીથી પીડિત હોવાથી એ હોસ્પિટલમાં હતી. હું એની સેવામાં હતી. ત્યારે કોઈનો બ્લડ માટે ફોન આવ્યો. મેં તરત જ સાતારામાં શિવશંભુ ટ્રસ્ટના અપ્પા ઘોરપડેને ફોન કરી લોહીની વ્યવસ્થા કરી આપી. એ જ દિવસે એક દંપતીને પ્લાઝમાની જરૂર હતી અને એની પણ વ્યવસ્થા કરી.
સેવાભાવ માટે રેહાનાની પીઠ કોઈએ થાબડી હોય એ કંઈ એના માટે નવું નથી. એ વૉલીબૉલની ખેલાડી છે અને એક સારી એથ્લેટ પણ છે. 2017માં પોલીસ ફોર્સ વતી તેણે શ્રીલંકાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યા હતા. ત્યારે પોલીસ કમિશનર દત્તા પડસાગીકરે પણ રેહાનાની પીઠ થાબડી હતી.
Published on: Fri, 11 Jun 2021