અૉનલાઈન ઠગાઈ : પાંચ કિલો કેરી રૂ. 1.7 લાખમાં પડી

સર્ચ એન્જિન ઉપર નકલી વેબસાઇટ પણ હોઇ શકે છે
મુંબઈ, તા.10 : અંધેરી નિવાસી એક મહિલાને પિયરમાં કેરીનો ડબો મોકલવો મોંઘો પડયો છે. પીડિત મહિલાનું નામ નયના છે અને તે જે બી નગરમાં રહે છે. નયનાને પિયરમાં લગભગ પાંચ કિલોગ્રામ કેરી મોકલવી હતી. તેણે કેરી મોકલવા માટે ગૂગલ સર્ચ એન્જિન પરથી કુરિયર કંપનીનો નંબર મેળવ્યો હતો. કેરી મોકલવા માટે ફોન કર્યો હતો. સામેવાળા અજ્ઞાત શખસે તેમને અૉનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું જણાવ્યું હતું. નયનાએ તેના પર ભરોસો મૂકીને તેણે મોકલેલી લિંક પર રજિસ્ટ્રેશન કરાવી દસ રૂપિયા મોકલીને જોયા હતા. અજ્ઞાત શખસે ત્યારબાદ ડેબિટ કાર્ડ નંબર અને પિન ફોન પર જ માગી હતી અને તે આપતા પીડિતાના બૅન્ક ખાતામાંથી ચાર હજાર રૂપિયા ડેબિટ થયા હતા અને સમયાંતરે કુલ એક લાખ સાત હજાર રૂપિયા ડેબિટ થઇ ચૂકયા હતા. આ અંગે સવાલ કરાતા અજ્ઞાત શખસે પીડિતાનો ફોન કાપીને બંધ કરી નાખ્યો હતો.  
મુંબઈ પોલીસના સાયબર સેલના ડીસીપી રશ્મિ કરંદીકરે નાગરિકોને ગૂગલ તેમ જ અન્ય સર્ચ એન્જિન પરના હેલ્પલાઇન નંબર શોધતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ સર્ચ એન્જિનો પર કંપનીઓની સત્તાવાર વેબસાઇટ હોય છે, તેની આબેહુબ વેબસાઇટ બનાવીને સાયબર ક્રિમિનલ અપલોડ કરતા હોય છે. નાગરિકો આ વેબસાઇટોને સત્તાવાર વેબસાઇટ માની લેતા હોય છે અને અૉનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. 
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer