મોદી-ઠાકરે વચ્ચે મુલાકાત છતાં આઘાડી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે : પવાર

મોદી-ઠાકરે વચ્ચે મુલાકાત છતાં આઘાડી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે : પવાર
મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે. તેમણે સહયોગી પક્ષ શિવસેનાની  પ્રશંસા કરતાં કહ્યું હતું કે એ વિશ્વાસ મૂકી શકાય એવો પક્ષ છે.
મંગળવારે દિલ્હીમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાયેલી બેઠક તથા ગયા અઠવાડિયે ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પવાર સાથે યોજાયેલી બેઠકની પાર્શ્વભૂમિકામાં આ ટિપ્પણી આવી છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના બાવીસમા સ્થાપના દિવસ નિમિત્તે પવારે જણાવ્યું હતું કે એમવીએ (શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસ) આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે, જે દર્શાવે છે કે 2024ની ચૂંટણીઓ ત્રણે પક્ષ સાથે મળીને લડી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ક્યાં સુધી ચાલશે એવી શંકા વર્તાવવામાં આવી રહી છે, પરંતુ શિવસેના એવી પાર્ટી છે જેના પર વિશ્વાસ મૂકી શકાય એમ છે. સરકાર એનો કાર્યકાળ પૂરો કરશે અને આવતી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરશે.
પવારે જણાવ્યું હતું કે શિવસેના વિશ્વાસ મૂકી શકાય એવી પાર્ટી છે. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ ઈન્દિરા ગાંધીને આપેલી ખાતરીનું પાલન ર્ક્યું હતું.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer