મલાડમાં ઇમારત ધરાશાયી 11નાં મૃત્યુ, 17ને ઇજા

મલાડમાં ઇમારત ધરાશાયી 11નાં મૃત્યુ, 17ને ઇજા
માલિક અને કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો કેસ, કેન્દ્ર અને રાજ્યની સહાયની જાહેરાત
મુંબઈ, તા. 10 : બુધવારે દિવસભર મુંબઈમાં વરસાદ વચ્ચે મોડી રાત્રે મલાડના માલવણીમાં કલેક્ટર કમ્પાઉન્ડમાં આવેલી એક ત્રણ માળની ઇમારત અડીને આવેલા એક મકાન પર ખાબકતાં 11 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને 17 વ્યક્તિને ઇજા પહોંચી હતી. રાતભર રાહત અને બચાવ કાર્ય ચાલ્યું હતું અને કાટમાળમાંથી 11 મૃતદેહો બહાર લવાયા હતા અને બહાર લવાયેલા ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા, સાત વ્યક્તિને ગંભીર ઇજા હોવાનું જાણવા મળ્યું હતું. આ હોનારતમાં મકાનમાં ભાડેથી રહેતા એક જ પરિવારનાં છ બાળકો અને અન્ય ત્રણ મળી કુલ નવ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. રાહત અને બચાવ કામગીરીમાં 18 વ્યક્તિને બચાવી લેવાઇ હતી. પોલીસે મકાન માલિક અને કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
આજે મેયર કિશોરી પેડણેકર અને શહેરના પાલક પ્રધાન અસલમ શેખ ઘટનાસ્થળે ગયાં હતાં અને રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હૉસ્પિટલમાં જઇને ઇજાગ્રસ્તોના ખબરઅંતર જાણ્યા હતા. મોડી સાંજે મુખ્ય પ્રધાન કાર્યાલયે મૃત્યુ પામેલી વ્યક્તિ દીઠ પરિવારને પાંચ લાખ રૂપિયા તેમ જ ઇજાગ્રસ્તોને નિ:શુલ્ક સારવારની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક દર્શાવી કેન્દ્ર તરફથી મૃત્યુ પામેલી વ્યક્તિ દીઠ પરિવારને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. પાલિકાએ ઇમારત તૂટી પડવાની આ ઘટનાની તપાસ આરંભી છે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer