યોગી આદિત્યનાથ અચાનક દિલ્હી આવી અમિત શાહને મળ્યા

યોગી આદિત્યનાથ અચાનક દિલ્હી આવી અમિત શાહને મળ્યા
આજે વડા પ્રધાન સાથે મુલાકાત
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 10 : કૉંગ્રેસ નેતા જિતિન પ્રસાદે ભાજપમાં પ્રવેશ કર્યાના બીજા દિવસે જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે અચાનક દિલ્હીની મુલાકાતે આવતા રાજકીય ગરમાટો આવ્યો છે. યોગી ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને જઈને મળ્યા હતા અને આવતી કાલે વડા પ્રધાનને મળવાના છે. યોગીની અચાનક દિલ્હી મુલાકાતથી ભાજપના યુપી સંગઠન અને રાજ્યના પ્રધાનમંડળમાં ફેરફારની અટકળો શરૂ થઈ છે.
ઉત્તર પ્રદેશમાં રાજકીય અસંતોષના અહેવાલો વચ્ચે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય અગ્રણી નેતાઓને મળવા માટે આજે અચાનક દિલ્હી પહોંચ્યા હતા. 
ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણની સ્થિતિનો સામનો કરવામાં યોગી આદિત્યનાથની સરકારની કામગીરી અંગે કેટલાકે તેમની ટીકા કરી છે અને આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં તેની અસર થવાનો ભય વ્યક્ત ર્ક્યો  છે. ઉત્તર પ્રદેશ ભાજપમાં ગયા મહિનાથી આ સ્થિતિ બાદ યોગી આદિત્યનાથની દિલ્હીના નેતૃત્વ સાથે આ પહેલી મુલાકાત છે.
યોગી આદિત્યનાથ બે દિવસ દિલ્હીમાં રહેશે. આજે બપોરે તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી. તેઓ આવતી કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત લેશે. દરમિયાન આજે નડ્ડા અને મોદી વચ્ચે પણ મુલાકાત થઈ હતી, જેમાં ઉત્તર પ્રદેશ સંબંધી વાતચીત થયાના અહેવાલો છે.
કૉંગ્રેસના અગ્રણી નેતા અને ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ નેતા જિતિન પ્રસાદે ભાજપમાં પ્રવેશ ર્ક્યાના એક દિવસ બાદ યોગીએ દિલ્હીની મુલાકાત લીધી છે. જિતિન પ્રસાદ રાજ્યની આગામી ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. 
આગામી ચૂંટણીમાં એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહ્યો છે. ઘણા સંસદસભ્ય અને વિધાનસભ્યોએ ઉત્તર પ્રદેશમાં કોવિડ સંક્રમણ સ્થિતિની વ્યવસ્થા અંગે પોતાની જ સરકારની ટીકા કરી છે અને તાજેતરની પંચાયત ચૂંટણીનાં પરિણામ પર એની અસર જોવા મળી છે.
ગયા અઠવાડિયે, વરિષ્ઠ ભાજપ નેતા બી. કે. સંતોષે એક કેન્દ્રીય મંડળનું નેતૃત્વ કરીને ઉત્તર પ્રદેશમાં પ્રધાનો, સંસદસભ્યો અને વિધાનસભ્યો તથા મુખ્ય પ્રધાન સાથે પણ બેઠકો યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આરએસએસના વરિષ્ઠ નેતા દત્તાત્રેય હોસબોલેએ ભાજપના સંગઠન અને યોગી સરકારની કામગીરીની સમીક્ષા માટે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી.
જોકે, ઉત્તર પ્રદેશમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાને ભાજપે ફગાવી દીધી હતી. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં યોગી જ પાર્ટીનું નેતૃત્વ કરશે, પરંતુ અન્ય ફેરફારોની શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વડા પ્રધાનના વિશ્વાસુ મનાતા પૂર્વ સનદી અધિકારી અરવિંદ શર્માને ઉત્તર પ્રદેશ સરકારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવે એવી શક્યતા છે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer