રવીન્દ્ર ટેસ્ટનો નંબર વન ઓલરાઉન્ડર બન્યો

વિન્ડિઝના હોલ્ડરને ખસેડીને ટોચનું સ્થાન હાંસલ કર્યું
દુબઇ, તા.23: ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આઇસીસીની નવી ટેસ્ટ ઓલરાઉન્ડર સૂચિમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. તેણે વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કપ્તાન જેસન હોલ્ડરને ખસેડીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. રવીન્દ્ર જાડેજા હવે હોલ્ડર (384 પોઇન્ટથી) બે પોઇન્ટ આગળ છે. જ્યારે ઇંગ્લેન્ડનો બેન સ્ટોકસ 377 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ઓલરાઉન્ડરોની સૂચિમાં ચોથા ક્રમે છે. તેના ખાતામાં 3પ3 પોઇન્ટ છે. તેના પછી બંગલાદેશના ઓલરાઉન્ડર શકીબ અલ હસનનો નંબર આવે છે. તેના 338 પોઇન્ટ છે. અશ્વિન બોલિંગ ક્રમાંકમાં 850 પોઇન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે. તે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ (908)થી પાછળ છે. ન્યુઝીલેન્ડનો ટિમ સાઉધી 830 અંક સાથે ત્રીજા સ્થાને છે. ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ટોચના પાંચ સ્થાનમાં કોઇ ફેરફાર થયા નથી. ભારતીય સુકાની વિરાટ કોહલી 814 અંક સાથે ચોથા નંબરે છે. જો કે ફાઇનલની નિષ્ફળતાને લીધે હવે પછીની નવી ક્રમાંક યાદીમાં તેને નુકસાન થશે. ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ (891) ટોચ પર છે. કિવિ કપ્તાન કેન વિલિયમ્સન (886) અને માર્નસ લાબુશેન (878) બીજા-ત્રીજા નંબર પર છે. ઇંગ્લેન્ડનો સુકાની જો રૂટ (797) પાંચમા નંબર પર છે. ઋષભ પંત અને રોહિત શર્મા સંયુકત રીતે છઠ્ઠા ક્રમે છે. બન્નેના એક સમાન 747 પોઇન્ટ છે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer