ફેડે વ્યાજદર મુદ્દે દ્વિધા સર્જતાં સોનું મજબૂત

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.23 : વૈશ્વિક બજારમાં સોનાના ભાવ મજબૂત બોલાતા હતા. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ગઇકાલે એવી ખાતરી આપી હતી કે અમેરિકાના વ્યાજદર તત્કાળ વધારી દેવામાં નહીં આવે. આવા નિવેદન પછી ડોલરના મૂલ્યમાં સુધારો અટકીને ઘટાડો આવ્યો હતો અને સોનું 1783 ડોલરની સપાટીએ સ્થિર થયું હતુ. 
પોવેલે એવું કહ્યું હતુ કે, ફક્ત ફુગાવો વ્યાજદરના નિર્ણય પર અસર પાડનારું પરિબળ નથી. રોકાણકારો એ કારણે સમય કરતા વહેલો વ્યાજદર વધારો થઇ જશે એવા ડરમાં હોય તો તે ન રાખવો જોઇએ. 
ફેડે ફરીથી નિવેદન બદલી કાઢતા ડોલરની તેજીમાં ખાંચરો પડ્યો હતો. જોકે ફેડની નિવેદનબાજીને લીધે સોનાના ભાવમાં 6 ટકાનો ઘટાડો છેલ્લાં એક અઠવાડિયામાં થઇ ગયો છે. જાણકારો કહે છે, વ્યાજદરો નીચાં રહે ત્યાં સુધી સોનાની બજારને ટેકો મળતો રહેશે. અત્યારે સોનાની બજારમાં 1800 ડોલર મહત્વની પ્રતિકારક સપાટી છે. આ સ્તર વટાવાય તો વધુ તેજી થશે. જોકે ટેકારુપ સ્તર 1760 ડોલરનું ગણાય છે. બુધવારે અમેરિકાના પર્ચેઝ મેનેજર ઇન્ડેક્સના ડેટા જાહેર થવાના છે. આ ડેટા અપેક્ષા કરતા વધારે મજબૂત આવે તો સોનાના ભાવ પર નકારાત્મક અસર પડશે.  
ટેકનિકલ રીતે સોનાનો ભાવ પ્રવર્તમાન નીચી સપાટીએ બોટમ બનાવી રહ્યો છે. આ સ્તરથી તત્કાળ મોટાં પરિવર્તનો આવે તેવી શક્તા દેખાતી નથી. બુધવારે ડોલર ઇન્ડેક્સ એક અઠવાડિયાની નીચી સપાટીએ રનીંગ હતો. ચાંદીનો ભાવ ન્યૂયોર્કમાં 25.92 ડોલરની સપાટીએ રનીંગ હતો. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 80ના ઘટાડામાં રુ. 48670 અને મુંબઇમાં રુ. 98ના ઘટાડામાં રુ. 47214 હતો. રાજકોટની બજારમાં ચાંદી એક કિલોએ રુ. 69000ના મથાળે સ્થિર હતી. મુંબઇમાં રુ. 207 ઘટતા રુ. 67991 હતી.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer