ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં બીજા લૉકડાઉનથી માગ તળિયે

અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ તા. 23 : ઇલેક્ટ્રિકલ ચીજોના વેચાણ અને માગને અત્યંત માઠી અસર થઈ હોવાથી છૂટક તેમ જ જથ્થાબંધ બજારમાં નિરસતાનો માહોલ છે. મુંબઈસ્થિત ઇલેક્ટ્રિકલ એન્જાનિયારિંગ ડયુરેબલ્સ ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે ભરપૂર મોસમમાં દેશભરમાં લૉકડાઉન અને કામકાજના સમયમાં તદ્દન અવ્યવહારુ છૂટછાટને લીધે બજારો શરૂ થવા છતા માગ તળિયે છે. શહેરની જીવાદોરી સમાન લોકલ ટ્રેનો સામાન્ય જનતા માટે બંધ હોવાથી મુખ્ય બજારો સૂમસામ છે. મુંબઈના મેન્યુફેક્ચારિંગ એકમોમાંથી હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલોર જેવાં મહાનગરો ઉપરાંત નાનાં શહેરોમાં જતો માલ પણ અત્યારે લગભગ 80 ટકા ઘટી ગયો છે. મોટાભાગનાં મુખ્ય શહેરોમાં નવી માગ તળિયે છે. એટલે આગામી ત્રિમાસિક ઇલેક્ટ્રિકલ ક્ષેત્ર માટે નિરાશાજનક હોવાનું અનુમાન કરી વેપારીઓ સ્ટોક કરવા માટે તૈયાર નથી. બીજી શ્રેણીનાં શહેરો પણ કોરોનામાં ફસાયાં છે.  
બીજી તરફ ઇલેક્ટ્રિક બજારમાં બીજા લૉકડાઉન પછી નાણાભીડ અને પ્રવાહિતાની સમસ્યા ખૂબ વધી ગઈ છે. તેની પણ જથ્થાબંધ ખરીદી પર વિપરીત અસર થઈ છે. ત્રીજી તરફ રસાયણો, પ્લાસ્ટિક અને બિનલોહ ધાતુઓના ભાવ 30થી 50 ટકા વધવાથી ઇલેક્ટ્રિકલ ચીજોની પડતરમાં ઓછામાં ઓછો 15થી 20 ટકાનો વધારો થઈ ચૂક્યો છે.  
બૉમ્બે ઇલેક્ટ્રિકલ મર્ચન્ટ્સ ઍસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ જતીનભાઈ મોદીએ 'વ્યાપાર'ને જણાવ્યુ હતુ કે `સમગ્ર રીતે દેશમાં નકારાત્મક વાતાવરણ વધતું જવાથી બજારની માગ પર અત્યંત વિપરીત અસર થઈ છે. તે દૂર થયા પછી જ સામાન્ય નાગરિકોમાં નવી ખરીદીનું વાતાવરણ તૈયાર થઈ શકશે. બાકી બીજા લૉકડાઉનથી મોટા વેપાર જગતને મોટું નુકશાન થયું છે.'
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer