સ્ટીલની માગની આશાએ ખનિજ લોખંડમાં અટકતી મંદી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ તા. 23:  વૈશ્વિક સ્ટીલ માગ બે અબજ ટનની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી જશે એવા સમાચારને પગલે ખનિજ લોખંડની મંદીની સાયકલને એકાએક બ્રેક લાગી ગઈ છે. ચીનમાંથી સ્ટીલની નિકાસ તાજેતરના મહિનાઓમાં ઝડપભેર ઘટી જવાને લીધે ચીન સરકાર પ્રદૂષણ નિયંત્રણ નિયમોને બીજા છ મહિના સુધી લંબાવાવાનું વિચારશે એવા અહેવાલો પણ ફરી રહ્યા છે. તાજેતરમાં ખનિજ લોખંડના ભાવ 218.38 ડોલરની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા. મંગળવારે ચીનના તેન્જિનગ પોર્ટ પર 62 ટકા ફેરોએલોય આયર્ન ઓર ડિલીવરીના હાજર ભાવ 214 ડોલર પ્રતિ ટન મુકાયા હતા.  
2021ના આરંભથી અત્યાર સુધીમાં ખનિજ લોખંડમાં 58.21 ડોલર અથવા 37.35 ટકાનો ઉછાળો આવ્યો છે. ચીનના ડેલિયાન કોમોડિટી એક્સ્ચેન્જ પર સપ્ટેમ્બર આયર્ન ઓર વાયદો 19 મેએ 1248 યુઆનની નવી ઊંચાઈએ મુકાયા બાદ મંગળવારે 1207 યુઆન રહ્યો હતો. ખનિજ લોખંડમાં પ્રત્યાઘાતી ઘટાડો આવશ્યક બની ગયો હતો. ત્યાં જ બ્રાઝિલની સૌથી મોટી ખાણ કંપની વલેમાંથી સમાચાર આવ્યા કે ગત વર્ષે થયેલા અકસ્માત પછી ડેમની સ્થિરતા થોડી ભયમાં મુકાઇ છે તેથી બેમાંથી એક નાની ખાણમાં ટૂંકાગાળા માટે ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. આ સમાચાર કદાચ ખનિજ લોખંડના ભાવને 200 ડોલરની ઉપર ટકાવી રાખવામાં મદદરૂપ થઈ પડશે. કંપનીએ 4 જૂને કહ્યું હતું કે રિજનલ લેબર સુપ્રિન્ટેન્ડેન્ટના એક આદેશને પગલે તેના જિનગુ નજીકના મારીઆના કોમ્પ્લેક્સમાં કેટલીક ઉત્પાદન પ્રવૃત્તિઓ બંધ કરી દેવી પડી છે. આ ખાણમાં દૈનિક 40,500 ટન ખનિજ લોખંડનું ઉત્પાદન થતું હતું.  
મૂંઝાયેલા ચીનના સત્તાવાળાઓએ ખનિજ લોખંડના સટોડિયા અને બજારમાં ઘાલમેલ કરતાં ખેલાડીઓ સામે કડક હાથે કામ લેવાની ધમકી ઉચ્ચારી છે. ઇન્વેસ્ટમેન્ટ બેંક બીએમઓ કેપટલ માર્કેટની એક રિસર્ચ નોંધ કહે છે કે આખા વિશ્વની કાચા અને તૈયાર સ્ટીલ બજાર પર અંકુશ ધરાવતું ચીન હવે ઓછા માર્જિન અને ઓછી ઉત્પાદનક્ષમતાને લાંબા સમય સુધી ચલાવી નહીં લે.     
ચીને હવે ભંગારના રિસાયક્લિગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. `મેડ ઇન ચાઈના 2025' યોજના હેઠળ ચીનના ક્રૂડ સ્ટીલનું 22 ટકા ઉત્પાદન રિસાયક્લિગ પર આધારિત છે. 2025 સુધીમાં તેને 30 ટકા કરવાનો ચીનનો લક્ષ્યાંક છે. એક ટન સ્ટીલના ઉત્પાદન માટે જો ક્રેપ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે તો ચીન 1.6 ટન ખનિજ લોખંડ બચાવી શકે. અમેરિકામાં હોટ રોલ્ડ કોઇલના ભાવ પ્રતિ ટન 1600 ડોલરની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ  પહોંચી જતાં અમેરિકા પણ હવે સ્ટીલની ભયંકર અછતનો સામનો કરી રહ્યું છે. 
બીએમઓ કહે છે કે અમેરિકામાં આ વર્ષે હોટ રોલ્ડ કોઇલના ભાવ વર્તમાન ઐતિહાસિક સરેરાશ ઊંચાઈ આસપાસ રહેશે. ભાવમાં જરા ઘટાડો થવાનો હશે તો પણ તે 2021ના બીજા અર્ધવાર્ષિકમાં જોવા મળશે. આ અગાઉ બ્રાઝિલની વલે ખાણ કંપનીએ કહ્યું હતું કે અમે આ વર્ષે 3125થી 3350 લાખ ટન ખનિજ લોખંડ પેદા કરવાનો આયર્ન ઓર ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવીએ છીએ, જે આગળ ઉપર 4000 લાખ ટન લઈ જવાની અમારી યોજના છે.  એસએન્ડપી ગ્લોબલ પ્લાટસ કહે છે કે ખનિજ લોખંડનું ઉત્પાદન કરનારા મોટાભાગના દેશોની નિકાસ મે મહિનામાં વધી હતી. બધી ખાણો ઈચ્છે છે કે 2021ના ઉત્તરાર્ધ સુધી ભાવ વધતા રહે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer