મૂડી સે ભારતના વિકાસદરનો અંદાજ ઘટાડીને 9.6 ટકા કર્યો

અગાઉનો અંદાજ 13.9 ટકાનો હતો   
નવી દિલ્હી, તા. 23 : મૂડી'સ ઇન્વેસ્ટર્સ સર્વિસે 2021માં ભારતના આર્થિક વિકાસનો અંદાજ અગાઉના 13.9 ટકાથી ઘટાડીને 9.6 ટકા કર્યો છે. ઝડપી રસીકરણને લીધે આર્થિક નુકસાન જૂન ત્રિમાસિક સુધી મર્યાદિત રહેશે એમ તેણે બુધવારે કહ્યું હતું. 
`મેક્રો ઇકોનોમિક્સ ઇન્ડિયા : ઇકોનોમિક શોક્સ ફ્રોમ સેકન્ડ કોવિડ વેવ વિલ નોટ બી એઝ સિવિયર એઝ લાસ્ટ યર્સ' નામના રિપોર્ટમાં કંપનીએ કહ્યું છે કે ઝડપથી પુનરાવર્તિત થતા આર્થિક નિર્દેશાંકો સૂચવે છે કે કોરોનાની બીજી લહેર ભારતના અર્થતંત્ર પર એપ્રિલ અને મેમાં ત્રાટકી હતી. હવે રાજ્યો લૉકડાઉનને હળવો બનાવી રહ્યા છે જેને કારણે મે મહિનામાં આર્થિક પ્રવૃત્તિની સૌથી નીચી સપાટી જોવા મળશે. 
`કોરોના વાયરસ ફરીથી જોશમાં આવતાં 2021 માટે ભારતના આર્થિક વિકાસના અંદાજ અંગે અનિશ્ચિતતા ઊભી થઇ છે, પણ શક્ય છે કે આર્થિક પીછેહઠ એપ્રિલ-જૂન ત્રિમાસિક પૂરતી મર્યાદિત રહે. અત્યારે અમારી ધારણા એવી છે કે ભારતની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં 2021માં 9.6 ટકા અને 2022માં 7 ટકા વૃદ્ધિ થશે,' એમ મૂડી'સે કહ્યું હતું. 
આ મહિનાની શરૂઆતમાં મૂડી'સે માર્ચ 2022માં પૂરા થતા નાણાકીય વર્ષ 2021-22માં ભારતની જીડીપીમાં 9.3 ટકા વધારો થવાનો અંદાજ મૂક્યો હતો. પણ કોરોનાની બીજી લહેરને લીધે ભારત સરકારની શાખપાત્રતા અને રાટિંગ ધરાવતી ભારતીય કંપનીઓના જોખમની માત્રામાં વધારો થયો હતો.  
કોવિડની પહેલી લહેરને કારણે ભારતનું અર્થતંત્ર 2020-21માં 7.3 ટકા સંકોચાયું હતું. 2019-20માં આર્થિક વિકાસ 4 ટકા નોંધાયો હતો. 
આર્થિક રીતે મહત્ત્વનાં રાજ્યોમાં કડક લૉકડાઉનને કારણે એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં આર્થિક પ્રવૃત્તિ ઘટશે એમ જણાવીને મૂડી'સે ઉમેર્યું હતું કે બીજી લહેરમાં જે 10 રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે તેઓ એકત્રપણે કોરોના પહેલાની રાષ્ટ્રીય આવકનો 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ચાર રાજ્યો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકનો 2019-20માં રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ હિસ્સો હતો.  
વર્તમાન ત્રિમાસિકમાં આર્થિક નુકસાન ઓછું કરવામાં ઝડપી રસીકરણ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવશે એમ જણાવીને કંપનીએ વધુમાં કહ્યું હતું કે જૂનના ત્રીજા સપ્તાહ સુધીમાં માત્ર 16 ટકા લોકોએ રસીનો કમસે કમ એક ડૉઝ લીધો હતો. એમાંથી 3.6 ટકા લોકોએ બે ડૉઝ લઇ લીધા હતા. `સ્થળાંતર અને આર્થિક પ્રવૃત્તિ વર્ષના બીજા ભાગમાં વેગ પકડશે કેમ કે રસીકરણમાં વેગ આવશે. રસી મેળવવા માટે કેન્દ્ર સરકારે હવે જવાબદારી લીધી છે અને જો એ સફળ થાય તો આર્થિક સુધારણાને ટેકો મળશે.' 
ગયા વર્ષની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરને કારણે ઓછું નુકસાન થશે એવી આગાહી કરતા મૂડી'સે કહ્યું હતું કે સુધારણાની ઝડપ રસીની પહોંચ અને ખાનગી વપરાશના સુધારા પર આધારિત હશે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer