એનસીબીએ દાઉદ ઇબ્રાહિમના નાના ભાઇ ઇકબાલ કાસકરની કસ્ટડી લીધી

મુંબઈ, તા. 23 (પીટીઆઇ) : અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના નાના ભાઇ ઇકબાલ કાસકરને નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ પોતાની કસ્ટડીમાં લીધો છે. એનસીબીએ આ કાર્યવાહી ડ્રગ્સ કેસમાં પ્રોડકશન વોરંટના આધારે કરી છે. 
થોડા દિવસો પહેલા એનસીબીએ ચરસના બે કન્સાઇનમેન્ટ પકડયા હતા જેમાં લગભગ 25 કિલોગ્રામ ચદર જપ્ત કરાયું હતું. આ કેસના તાર ઇકબાલ કાસકર સાથે જોડાયા બાદ તેને એનસીબીએ તાબામાં લીધો છે. 
વર્ષ 2017ના એક ખંડણી કેસમાં થાણેથી કાસકરની ધરપકડ કરી હતી. બુધવારે કાસકરની કસ્ટડી લીધા બાદ એનસીબી તેને બેલાર્ડ એસ્ટેટના કાર્યાલયમાં લઇ આવી તેની પૂછપરછ ચાલી રહી છે. 
અહેવાલ અનુસાર પચીસ કિલો ચરસ જમ્મુ-કાશ્મીરથી પંજાબના રસ્તે મુંબઇમાં વેચાણ માટે આવ્યું હતું. આ ચરસ અને અન્ય ડ્રગ પંજાબથી જમ્મુ-કાશ્મીર થઇને મુંબઇ બાઇક ઉપર લાવવામાં આવતું હતું. 
આ અગાઉ પણ એનસીબીએ નાગપાડામાં છાપેમારી દરમિયાન દાઉદ ઇબ્રાહિમની ડ્રગ ફેકટરીને સીલ કરી હતી. વર્ષ 2003માં ઇકબાલ કાસકર દુબઇથી મુંબઇ આવ્યો હતો અને ભાઇનો રિયલ એસ્ટેટ બિઝનેસ સંભાળી રહ્યો હતો. આ અગાઉ થાણે પોલીસે ઇકબાલ કાસકર સામે મહારાષ્ટ્ર કંટ્રોલ અૉફ અૉર્ગેનાઇઝડ ક્રાઇમ `મકોકા' ઍકટ હેઠળ તેની ધરપકડ કરી હતી.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer