વરલીની સોસાયટી સામે ડેવલપરે 1600 કરોડનો દાવો માંડ્યો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : વરલીની શિવશાહી હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ પૂરો ન કરવા બદલ સોસાયટીએ એ બિલ્ડર સાથેનો કોન્ટ્રેક્ટ રદ કર્યો હતો અને હવે આ બિલ્ડરે સોસાયટી પાસેથી 1600 કરોડની માગણી કરી છે. 193 સભ્યોની આ સોસાયટીએ ગયા મહિને એચબીએસ રિયલટર્સના સ્થાને ઓબેરોય રિયાલ્ટીની નિમણૂક કરવાનો ફેંસલો કર્યો હતો. 
એચબીએસ રિયલટર્સ (વન્ડરવેલ્યુ રિયાલ્ટી)એ રિડેવલપમેન્ટનો કરાર રદ કરવાનો સોસાયટીના ફેંસલાને ગેરકાયદે ગણાવી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં સોસાયટી પર 1600 કરોડના વળતરનો દાવો ઠોકી દીધો છે. દાવામાં એચબીએસ રિયલટર્સે કહ્યું છે કે કરાર ગેરકાયદે રદ કરાયો હોવાથી અમે પ્રોજેક્ટને પૂરો કરી શક્યા નથી. સોસાયટીએ કરાર પ્રમાણે પ્રોજેક્ટને જો પૂરો કરવા દીધો હોત તો અમે આ પ્રોજેક્ટમાંથી નફો કર્યો હોત. અમને ભવિષ્યમાં થનારા 863 કરોડના નફાની ખોટ ગઈ છે. 
આ સોસાયટી વરલીમા મોકાની ત્રણ એકર જમીન પર સ્થિત છે અને સોસાયટીએ 2009માં એચબીએસ રિયલટર્સ સાથે રિડેવલપમેન્ટનો કરાર કર્યો હતો. 2014માં બાર ઈમારત તોડી પાડવામાં આવી હતી. જોકે 2019થી એચબીએસ રિયલટર્સ રહેવાસીઓને માસિક ભાડું અને હાર્ડશિપ એલાઉન્સ (મહિને 70થી 80 હજાર) આપવાનું બંધ કરી દીધું હતું. 
આ વર્ષની શરૂઆતમાં સોસાયટીએ ઓબેરોય રિયાલ્ટીનો સંપર્ક કર્યો હતો અને એણે પ્રોજેક્ટ હાથમાં લેવાની તૈયારી બતાવી હતી. વન્ડરવેલ્યુએ કહ્યું હતું કે અમે આ પ્રોજેક્ટમાં 747 કરોડનો ખર્ચ કર્યો છે અને 863 કરોડનો નફો પણ ગુમાવ્યો છે. 
સોસાયટીના અમુક રહેવાસીઓએ મેમ્બરોને ગેરમાર્ગે દોરવવાનો મેનાજિંગ કમિટી પર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ડેવલપરના નોન-પર્ફોમન્સની ઉપેક્ષા કરવામાં આવી હતી અને ડેવલપરે એકેય ટાવર બાંધ્યું ન હોવા છતાં તેને સોસાયટીની જમીન સામે માતબર રકમ ઉછીના લેવાની છૂટ અપાઈ હતી. કમિટીએ બૅન્ક ગેરેન્ટી માટે પણ આગ્રહ રાખ્યો નહોતો. જોકે મેનાજિંગ કમિટીના એક સભ્યએ ડેવલપરે માંડેલા દાવા વિશે પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer