કૉંગ્રેસ વગર વિરોધી મોરચો રચવાથી ભાજપને જ લાભ થશે : નાના પાટોળે

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પાટોળેએ બુધવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટી વગર `ભાજપ વિરોધી મોર્ચો' બનાવવાનો કોઈપણ પ્રયત્ન અપ્રત્યક્ષ રૂપે ભાજપને જ લાભ પહોંચાડશે.
જળગાંવના ફૈઝપુરમાં પત્રકારો સાથેના સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીઓને હજી ત્રણ વર્ષની વાર છે અને કોવિડ-19 પ્રબંધન તથા ખેડૂતો અને બેરોજગારીનો સામનો કરી રહેલા યુવાનો કૉંગ્રેસની પ્રાથમિકતા છે.
`ભાજપ વિરોધી મોર્ચો' રચવાની અટકળો અંગે તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ વગર આવો મોર્ચો શક્ય નથી અને એવા પ્રયત્નથી અપ્રત્યક્ષ રીતે ભાજપને જ ફાયદો થશે.
ગયા અઠવાડિયે પાટોળેએ કહ્યું હતું કે આગામી ચૂંટણી કૉંગ્રેસ એકલે હાથે લડશે. એને લીધે સત્તાધારી આઘાડી સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. 
કૉંગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારી એચ. કે. પાટીલે તાજેતરમાં પાર્ટીના મહારાષ્ટ્ર એકમને સંગઠનને વધુ સુદૃઢ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવા અને આગામી ચૂંટણી એકલે હાથે લડવી કે ગઠબંધન કરવું એ વિશેના નિર્ણયો પાર્ટીના હાઈકમાન્ડ પર છોડવા જણાવ્યું હતું. 2019માં મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે કૉંગ્રેસે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે જોડાણ ર્ક્યું હતું. 
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer