ભૂતપૂર્વ પત્રકારે દીકરા સાથે જીવન ટૂંકાવ્યું, ઉશ્કેરણી બદલ પડોશી કસ્ટડીમાં

મુંબઈ, તા. 23 : કોવિડને કારણે પતિને ગુમાવ્યાના એક મહિના બાદ, ગૃહિણી અને ભૂતપૂર્વ પત્રકારે સોમવારે એના સાત વરસના પુત્ર સાથે પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. બંનેએ ચાંદિવલીના નાહર અમૃત શક્તિ પરિસરના તેમના 12 માળે આવેલા એપાર્ટમેન્ટથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. 
રેશ્મા ટ્રેન્ચિલ (44) અંગે કહેવાય છે કે એ 23 મેના એના પતિ શરત મુલુકુટલા (49)નાં મૃત્યુને કારણે ઘણી ઉદાસ હતી. સુસાઇડ નોટમાં ટ્રેન્ચિલે એના પડોશીઓ દ્વારા હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાકીનાકાના સિનિયર ઇન્સ્પેક્ટર બળવંત દેશમુખે કહ્યું કે, ટ્રેન્ચિલના પડોશી ખાન પરિવાર વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો નોંધ્યો છે. 
પોલીસે કહ્યું કે, ખાન પરિવારે પહેલા ટ્રેન્ચિલ વિરુદ્ધ બે નોન-કૉગ્નિઝેબલ ઓફેન્સ (એનસી) નોંધાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘરમાં રમતો તેમનો દીકરો ગરુડ ભારે ઘોંઘાટ કરતો હોવાથી ઘણી તકલીફ થતી હતી. પોલીસે બંને પરિવારને કાઉન્સાલિંગ માટે બોલાવ્યા હતા. 
ટ્રેન્ચિલે એશિયન કૉલેજ અૉફ જર્નલિઝમની ડિગ્રી લીધા બાદ ધ સ્ટેટ્સમેનમાં કામ કર્યું હતું. ત્યાર બાદ એણે બૉસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. અંતિમ સંસ્કાર માટે ટ્રેન્ચિલના ભાઈ અમેરિકાથી ભારત આવી રહ્યા છે. મુંબઇ પોલીસે આયુબ ખાનની ધરપકડ કરી છે અને તેની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો છે. આયુબ હાલ કસ્ટડીમાં છે. આયુબે પોતાના બચાવમાં જણાવ્યું છે કે તેના પરિવારનો એક સભ્ય બીમાર હતો અને રેશમાના પુત્રના ઘોંઘાટને પગલે તે સૂઇ નહોતા શકતા એટલે તેણે સોસાયટીને આ વાતની ફરિયાદ કરી હતી.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer