200મા વર્ષમાં પ્રવેશ કરી રહેલા ગુજરાતી અખબારી પત્રકારત્વની ઉજવણી

સમિતિની રચના, વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો
અમદાવાદ, તા. 23 : પહેલી જુલાઈ, 2021 ગુરુવારના દિવસે ગુજરાતી અખબારી પત્રકારત્વ બસોમા વર્ષમાં પ્રવેશ કરે છે. પહેલી જુલાઈ, 1822ના રોજ મોબેદ ફરદુનજી મર્ઝબાનજીએ મુંબઈ સમાચારનો પ્રારંભ કર્યો હતો. એક વખત શરૂ થયા પછી અવિરત ચાલુ હોય તેવું માત્ર ભારતનું નહીં, સમગ્ર એશિયા ખંડનું અખબાર મુંબઈ સમાચાર છે. ગુજરાતી અખબારી પત્રકારત્વ બે સદી પૂરી કરે છે એ ઘટના ઐતિહાસિક છે તેમ સીમાચિહ્નરૂપ છે. ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને ગુજરાત પ્રદેશ માટે આ ગૌરવ અને આનંદની ઘડી છે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવાના હેતુથી જ ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિ-શતાબ્દી મહોત્સવ સમિતિની એક વર્ષ માટે રચના કરવામાં આવી છે. પહેલી જુલાઈ, 2021થી 30મી જૂન, 2022 સુધી આ સમિતિ કાર્યરત રહેશે અને વિવિધ કાર્યક્રમો કરશે. એ પછી આ સમિતિનું વિસર્જન થશે. જન્મભૂમિ ગ્રુપના તંત્રી કુન્દન વ્યાસ આ સમિતિના પ્રમુખપદે તથા જાણીતા પત્રકાર-લેખક અને પત્રકારત્વના શિક્ષક રમેશ તન્ના સમિતિના સંયોજક તરીકે ફરજ બજાવશે. 
ગુજરાતી અખબારી વિશ્વમાંથી 33 જેટલા તંત્રીઓ-સંપાદકો તથા પ્રતિષ્ઠિત કોલમ-લેખકો આ સમિતિમાં પરામર્શક તરીકે પોતાની સજ્જતા અને અનુભવનો લાભ આપશે. કોરોના ઓસરી જાય એ પછી યોગ્ય સમયે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે આ સમિતિના નેજા હેઠળ મુંબઈ સમાચારનું ભવ્ય સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવાશે. સમિતિ દ્વારા આખા વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજાશે. બે સદીનું ગુજરાતી અખબારી પત્રકારત્વ એ વિષય પર એક સંપાદિત ગ્રંથનું પ્રકાશન કરવાનું પણ આયોજન છે. આ ગ્રંથમાં 200 વર્ષના ગુજરાતી અખબારી પત્રકારત્વના પડાવો અને મુકામો આવી જાય તે રીતે સંપાદન-આલેખન કરાશે. વર્ષ દરમિયાન ગુજરાતની તમામ પત્રકારત્વની સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે નિબંધ સહિતની સ્પર્ધાઓ યોજાશે. જેથી નવી પેઢીને 200 વર્ષના ગુજરાતી પત્રકારત્વનો પરિચય થાય.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer