પાંચ જિલ્લા પરિષદ અને 33 પંચાયત સમિતિની ચૂંટણી પાછી ઠેલવવા ભાજપ આક્રમક

રાજ્ય સરકાર ચૂંટણી મુલતવી રાખવા `પંચ'ને વિનંતી કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આજે ધુળે, નંદુરબાર, અકોલા, વાશીમ અને નાગપુર એમ પાંચ જિલ્લા પરિષદોની તેમજ 33 પંચાયત સમિતિઓની ચૂંટણી આવતી 19મી જુલાઇએ યોજવાનો નિર્ણય જાહેર કર્યો છે. મહાવિકાસ આઘાડી સરકારે આ ચૂંટણી પાછી ઠેલવાની વિનંતી કરવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત જાતિઓ માટેનું આરક્ષણ રદ કરવામાં આવ્યું તે મુદ્દે ભાજપના આગેવાન દેવેન્દ્ર ફડણવીસે આક્રમક વલણ અપનાવ્યું છે. ફડણવીસે જણાવ્યું છે કે અન્ય પછાત વર્ગોને આરક્ષણનો મુદ્દો હલ થાય નહીં ત્યાં સુધી અમે રાજ્યમાં કોઇપણ ચૂંટણી થવા નહીં દઇએ. ભાજપના નેતાઓના પ્રતિનિધિમંડળે આજે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લઇને ચૂંટણીઓ પાછી ઠેલવાની વિનંતી કરી હતી. ફડણવીસે જણાવ્યું હતું કે હવે અમે આંદોલન કરશું. જોકે, રાજ્ય સરકારનો વ્યૂહ ચૂંટણી યોજવાનો હશે તો અમે બધી બેઠકો ઉપર ફક્ત અન્ય પછાત વર્ગના ઉમેદવારોને જ ઊભા રાખશું. પછી અમારી હારજીતની પરવા નહીં હોય, એમ ફડણવીસે ઉમેર્યું છે.
ભાજપના આક્રમક વલણ અને `આઘાડી'ના ઘટક પક્ષોએ પણ ચૂંટણી યોજવા અંગે સાવચેતીનો સૂર વ્યક્ત કર્યા પછી રાજ્ય સરકારે ચૂંટણી મુલતવી રાખવાની વિનંતી રાજ્ય ચૂંટણી પંચને કરવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણી કમિશનર યુ.પી.એસ. મદાને જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે અન્ય પછાત વર્ગોની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર સરકારને આરક્ષણના ટકા નક્કી કરવા માટે આંકડાકીય વિગતો એકઠી કરવા માટે પંચ સ્થાપવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત સર્વોચ્ચ અદાલતે નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું કે અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગો માટેનું કુલ આરક્ષણ 50 ટકા કરતાં વધારે હોવું ન જોઇએ એમ મદાને ઉમેર્યું હતું.
આ ચૂંટણી માટેની મતગણતરી 20મી જુલાઇએ હાથ ધરવાનું નક્કી કરાયું છે.
બે દિવસના સત્ર અંગે ભાજપે રાજ્યપાલ સમક્ષ નારાજગી દર્શાવી મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી દ્વારા આગામી ચોમાસું અધિવેશન ફક્ત બે દિવસ માટે યોજવાના નિર્ણય અંગે ભાજપે આજે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer