દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટતાં જાય છે, પરંતુ કુલ સંક્રમિતો ત્રણ કરોડને પાર

નવા 50,848 દર્દી; સંક્રમણ દર ઘટીને 2.67 ટકા
નવી દિલ્હી, તા. 23 : ભારતમાં બુધવારે 50,848 નવા દર્દીના ઉમેરા સાથે કુલ્લ સંક્રમિતોની સંખ્યા ત્રણ કરોડને આંબી ગઇ છે. છેલ્લા માત્ર 50 દિવસમાં વધુ એક કરોડ દર્દી ઉમેરાયા છે.
દેશમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 1358 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 3,90,660 સંક્રમિતો જીવ ખોઇ ચૂક્યા છે. કોરોનાથી મોતનો દર 1.30 ટકા છે. ભારતમાં કુલ્લ એક કરોડ દર્દીનો આંક 19મી ડિસેમ્બરે આંબ્યા બાદ ચોથી મેના કુલ્લ સંક્રમિતો બે કરોડને પાર કરી ગયા હતા જેમાં 136 દિવસ લાગ્યા હતા.
દેશમાં આજની તારીખે 6,43,194 દર્દી સારવાર હેઠળ છે. આજે 19,327 દર્દીના ઘટાડા બાદ કુલ્લ દર્દીઓની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ ઘટીને માત્ર 2.14 ટકા રહી ગયું છે.
ભારતના વિવિધ ભાગોમાં બુધવારે વધુ 68,817 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ્લ 2.89 કરોડથી વધુ, બે કરોડ 89 લાખ 94,885 દર્દી કોરોનામુક્ત થઇ ગયા છે.
આજે લગાતાર 41મા દિવસે નવા દર્દીઓની તુલનામાં સ્વસ્થ દર્દીઓની સંખ્યા ઊંચી આવતાં સાજા થતા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ વધીને 96.56 ટકા થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 54.24 લાખ રસીના ડોઝ અપાતાં કુલ્લ 29.46 કરોડ લોકોને રસીકરણનું કવચ મળી ચૂક્યું છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ્લ 39.59 કરોડથી વધુ ટેસ્ટ થઇ ચૂક્યા છે.
સંક્રમણનો દૈનિક દર 2.67 ટકા થઇ ગયો છે. તો સાપ્તાહિક સંક્રમણ દર પણ ઘટીને 3.12 ટકા થઇ ગયો છે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer