ઈ-કૉમર્સનો વેપાર હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે : કૈટ

ઈ-કૉમર્સનો વેપાર હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે :  કૈટ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ ગ્રાહક સંરક્ષણ (ઈ-કોમર્સ) કાયદા, 2020ના મુસદ્દાને જાહેર કરવાના પગલાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે આ મુસદ્દામાં દેશમાં ઈ-કોમર્સના વ્યવસાય કેમ ચલાવવો અને માપદંડો શું હોવા જોઈએ એનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. આને લીધે 
વિદેશી ઈ- કોમર્સ કંપનીઓ કાયદાઓ સાથે હવે ખેલો નહીં કરી શકે. એમની વ્યવસાયની અનૈતિક પ્રથા હવે બંધ થઈ જશે અને ઈ-કોમર્સ વ્યવસાયને શુદ્ધ અને એક સમાન કરવાની તક મળશે. 
કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા, મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કર અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કૈટની માગણીનો સ્વીકાર કર્યો છે અને નવા નિયમો લાગુ થશે એ બાદ ઈ-કોમર્સનો વેપાર સંપૂર્ણ રીતે બદલાઈ જશે. દરેક નાનો વેપારી પણ ઈ-કોમર્સને વધારાના વ્યવસાય તરીકે અપનાવી શકશે. આ નવા પ્રસ્તાવિત નિયમોમાં દેશમાં ઈ-કોમર્સ વ્યવસાયમાં ઝંપલાવવા માગતી બનાવટી કંપનીઓ પર અંકુશ લાગશે અને આ વ્યવસાયમાં કેટલી કંપની છે એની પણ જાણ થશે. દરેક ઈ-કોમર્સ કંપની માટે રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત હોવાથી કરચોરીની સંભાવના પણ હવે ઘટશે. 
નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ઈ-કોમર્સ કંપનીઓએ હવે વિક્રેતાનું સંપૂર્ણ વિવરણ અને માલનું કન્ટ્રી ઓફ ઓરિજિન પણ વેબસાઈટ પર જણાવવાનું ફરજિયાત છે. 
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer