મુંબઈમાં કોરોનાનાં ટેસ્ટ વધ્યાં તો કેસ પણ વધ્યા

મુંબઈમાં કોરોનાનાં ટેસ્ટ વધ્યાં તો કેસ પણ વધ્યા
મહારાષ્ટ્રમાં કોરોનાના દસ હજારથી વધુ નવા દરદી મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : બુધવારે મુંબઈમાંથી કોરોનાના 863 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 7,23,324ની થઈ ગઈ છે. મુંબઈનો પોઝિટિવિટી રેટ 2.27 છે. 
મંગળવારે મુંબઈમાંથી 570, સોમવારે 521, રવિવારે 733 અને શનિવારે 696 નવા કેસ મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 23 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 15,338નો થઈ ગયો છે. અત્યારે 14,577 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં 711 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 6,91,128ની થઈ ગઈ છે. 
મુંબઈનો ડબાલિંગ રેટ 728 દિવસનો થઈ ગયો છે.
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 37,905 ટેસ્ટ કરાઈ હતી. એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 69,11,526ની થઈ ગઈ છે. મંગળવારે 32,307 ટેસ્ટ મુંબઈમાં કરાઈ હતી.
બુધવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 10,066 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 59,97,587ની થઈ ગઈ છે. રાજ્યમાં 1,21,859 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે.
મંગળવારે રાજ્યમાંથી 8470, સોમવારે 6270, રવિવારે 8912, શનિવારે 8912 અને શુક્રવારે 9798 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 163 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે રાજ્યનો મૃત્યાંક 1,19,303 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,032 દરદી સાજા થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 57,53,290 દરદી સાજા થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 4,01,28,355 કોરોના ટેસ્ટ કરવામાં આવી છે. એમાથી 59,97,587 ટેસ્ટ (14.95) પોઝિટિવ આવી છે.
રાજ્યમાં સારવાર હેઠળ સૌથી વધુ દરદી મુંબઈ શહેરમાં છે. મુંબઈમાં 18,711, પુણેમાં 17,378 અને થાણે જિલ્લામાં 13,059 દરદી સારવાર હેઠળ છે. સૌથી ઓછા દરદી યવતમાલમાં જિલ્લામાં છે. ત્યાં અત્યારે 103 દરદીઓ પર હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.
મુંબઈમાં મંગળવારે 1.13 લાખ લોકોને રસી અપાઈ
મુંબઈમાં સરકારી અને ખાનગી 382 રસી કેન્દ્રો છે અને મંગળવારે શહેરમાં 1,13,135 લોકોને રસી આપવામાં આવી હતી. મુંબઈમાં રસીનો કમસે કમ એક ડૉઝ લેનારાઓની સંખ્યા 46.84 લાખની થઈ ગઈ છે. મંગળવારે 30થી 44 વર્ષના વયજૂથમાંના લોકોએ વધુ રસી લીધી હતી. આ વયજૂથના 80,932 લોકોને રસી આપવામાં આવી હતી. 
કસ્તુરબામાં શરૂ થશે જિનોમ સિક્વન્સિંગ લૅબ 
પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં જીનોમ સિક્વન્સિંગ લૅબ જૂન મહિનાના અંત સુધીમાં ચાલુ થઈ જાય એવી શક્યતા છે. મુંબઈની આવી પહેલી લૅબ હશે અને એ મુંબઈમાં શરૂ થાય એની ઘણા સમયથી રાહ જોવાતી હતી. 
ચેપીરોગના વિષાણુના નવા નવા સ્વરૂપને શોધવાનું કામ આ લૅબ કરે છે. વિષાણુના નવા સ્વરૂપની આરોગ્ય અધિકારીઓને માહિતી જલદી મળે તો એને ડામવાનાં પગલાં પણ તુરંત લઈ શકાય છે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer