માલ્યા-મોદી-ચોકસીની રૂા. 9400 કરોડની જપ્ત કરાયેલી સંપત્તિ બૅન્કોને હવાલે

માલ્યા-મોદી-ચોકસીની રૂા. 9400 કરોડની જપ્ત કરાયેલી સંપત્તિ બૅન્કોને હવાલે
બૅન્કોની કુલ લેણી રકમ રૂા. 22,600 કરોડ; આરોપીઓની રૂા. 18,000 કરોડની મતા જપ્ત
નવી દિલ્હી, તા. 23 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ વિજય માલ્યા, નીરવ મોદી તથા મેહુલ ચોકસીની સંડોવણીવાળા છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસોમાં જપ્ત કરેલી તેમની રૂા. 8441 કરોડની સંપત્તિ આજે જાહેર ક્ષેત્રની બૅન્કોને હવાલે કરી હતી.
ઈડીએ આજે જાહેર કર્યું હતું કે આ ભાગેડુ આર્થિક ગુનેગારોએ જાહેરક્ષેત્રની બૅન્કો સાથે કુલ રૂા. 22,586 કરોડની છેતરપિંડી કરી છે. તેની સામે આ રકમના 80 ટકા જેટલી (રૂા.  18,170 કરોડની) તેમની સંપત્તિને કાંતો જપ્ત કરાઈ છે અથવા ટાંચ મરાઈ છે.  જપ્ત કરાયેલી અસ્ક્યામતોમાંથી અત્યાર સુધીમાં રૂા. 9371 કરોડની મિલકત જાહેર ક્ષેત્રની બૅન્કોને સુપરત કરવામાં આવી છે. જેથી એને વેચીને તેઓ પોતાની લેણી રકમ વસૂલ કરી શકે.
બૅન્કોને અપાયેલી મિલકતોમાં તાજેતરમાં જપ્ત કરાયેલી રૂા. 329 કરોડની અસ્ક્યામતોનો પણ સમાવેશ થાય છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને ટ્વીટર પર કહ્યું હતું કે `ભાગેડુઓ અને આર્થિક અપરાધીઓનું પગેરું દબાવાશે, તેમની મિલકતો જપ્ત કરાશે અને લેણું વસૂલ કરવામાં આવશે. જાહેર ક્ષેત્રની બૅન્કોએ અત્યાર સુધીમાં આવી સંપત્તિનું વેચાણ કરીને રૂા. 1357 કરોડ પ્રાપ્ત કર્યા છે. જપ્ત કરાયેલી સંપત્તિ વેચીને કુલ રૂા. 9041 કરોડ પ્રાપ્ત કરવામાં આવશે.'
ઈડીના કહેવા મુજબ આ અપરાધીઓના સ્થાનિક તેમ જ વિદેશી વ્યવહારોનું જાળું ઉકેલીને અને તેમની વિદેશમાં છુપાવાયેલી સંપત્તિની ભાળ મેળવીને આ નાણાંનું પગેરું મેળવાયું હતું. તપાસમાં જણાયું હતું કે ત્રણે આરોપીઓએ બૅન્કોએ આપેલાં નાણાંની હેરફેર કરવા અને અન્યત્ર વાળી દેવા માટે તેમના અંકુશ હેઠળની બનાવટી કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. આ ત્રણે આરોપીઓ જે દેશોમાં રહે છે ત્યાં તેમના પ્રત્યાર્પણ માટે અરજી કરાઈ છે. માલ્યા અને મોદી લંડનમાં રહે છે, જ્યારે મેહુલ ચોકસી ઍન્ટિગ્વા નાસી ગયા હતા. માલ્યાને બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી નકારવામાં આવી છે તેથી તેનું ભારત ખાતેનું પ્રત્યાર્પણ લગભગ નિશ્ચિત છે. નીરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. ચોકસી તેના પ્રત્યાર્પણ સામે અન્ટિગ્વામાં કાનૂની લડાઈ લડી રહ્યો છે.
બ્રિટિશ હાઈ કોર્ટે નીરવ મોદીની પ્રત્યાર્પણ સામેની અપીલ ફગાવી
બ્રિટનની કોર્ટમાં ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. યૂકે હાઈકોર્ટે નીરવ મોદીની પોતાનાં ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ કરવાની અરજીને ફગાવી દીધી છે. 
હાઈકોર્ટમાં અરજી આપી ભાગેડુ હીરા કારોબારીએ કહ્યું હતું કે, તે ભારતમાં પોતાના પ્રત્યાર્પણ વિરુદ્ધ અદાલતમાં અપીલ કરવા ઈચ્છે છે. પરંતુ અદાલતે તેની અરજી નકારી નીરવ મોદીને ઝટકો આપ્યો છે. હવે નીરવ મોદી અદાલતમાં પોતાના પ્રત્યાર્પણ વિરુદ્ધ અરજી કરી શકશે નહીં. હાઈકોર્ટના જજે અપીલ માટે અદાલતમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોનાં આધારે નિર્ણય કર્યો છે કે, છેતરાપિંડી અને મની લોન્ડ્રિગના આરોપોનો સામનો કરવા માટે મોદીના પ્રત્યાર્પણના પક્ષમાં વેસ્ટામિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ફેબ્રુઆરીના ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાનો કોઈ આધાર નથી.
મેહુલ ચોકસીનું થયું હતું અપહરણ : એન્ટિગુઆ
એન્ટિગુઆ અને બારબૂડાના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉને સંસદમાં વિપક્ષના સવાલનો જવાબ આપતાં કહયુ છે કે જવેલર્સ મેહુલ ચોકસીનું અપહરણ કરાયાની માહિતી મળી છે. કોઈ નિર્ણાયક પુરાવા નથી પરંતુ પબ્લિક ડોમેનમાં જે માહિતી સામે આવી છે તે મુજબ તેનું અપહરણ કરાયુ હતુ. 
વિવિધ એજન્સીઓને તપાસમાં એવા લોકોની જાણ થઈ છે જેમની પાસે આ મામલે માહિતી હોઈ શકે છે. એન્ટિગુઆ અને બારબૂડાના વિપક્ષોએ સવાલ ઉઠાવ્યો હતો કે સ્કોટલેન્ડ યાર્ડ કે અન્ય કોઈ તપાસ એજન્સીઓને એવા કોઈ પુરાવા મળ્યા છે કે મેહુલ ચોકસીને અયોગ્ય રીતે ડોમિનિકા લઈ જવાયો હતો ?
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer