વડા પ્રધાનની અધ્યક્ષતામાં આજે કાશ્મીર મુદ્દે મંથન

વડા પ્રધાનની અધ્યક્ષતામાં આજે કાશ્મીર મુદ્દે મંથન
સર્વપક્ષીય બેઠકમાં ગુપકરના નેતાઓ પણ જોડાશે
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય રાજકીય પક્ષો સાથે બોલાવેલી બેઠક પર બધાંની નજર છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર મોટા ભાગે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા ફરીથી સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરશે જ્યારે બીજી તરફ આમંત્રિત પક્ષો જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની અને ખાસ તો ગુપકર ગઠબંધનના પક્ષો, કલમ 370 અને 35-એ ફરીથી બહાલ કરવાની માગણી કરશે.
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યા બાદ પહેલીવાર મળી રહેલી આ બેઠકનો ઉદ્દેશ અહીં રાજકીય અને ચૂંટણી પ્રક્રિયાને ફરીથી બહાલ કરવા માટે દેશના તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોને સક્રિય રીતે સામેલ કરવાનો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં સીમાંકન અને વિધાનસભાની ચૂંટણી જેવા મહત્ત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે જેને લીધે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયાઓ ફરીથી શરૂ થવાનો માર્ગ મોકળો થઈ શકે છે.
2019માં કેન્દ્ર સરકારે કલમ 370 રદ કરીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદબાતલ ર્ક્યો હતો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કર્યા બાદ યોજાઈ રહેલી આ સર્વદલીય બેઠક પ્રથમ રાજકીય પહેલ છે. ઉપરાંત આ બેઠક દ્વારા 2019ની પાંચમી અૉગસ્ટ પછી અટકાયત (નજરકેદ)માં રખાયેલા ફારુક અબદુલ્લા સહિતના જમ્મુ-કાશ્મીરના નેતાઓ પ્રથમ વાર વડા પ્રધાનને મળશે.
આ બેઠકમાં રાજ્યના દરજ્જા વિશે પણ ચર્ચા થઈ શકે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ વર્ષની ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો ફરીથી સ્થાપિત કરવામાં આવશે. કૉંગ્રેસે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો તેમની પ્રાથમિકતા હશે. 
બીજી તરફ પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન (પીએજીડી)ના સભ્યોએ બેઠકના નિમંત્રણનો સ્વીકાર કરવા અંગે જણાવ્યું હતું કે વિશેષ દરજ્જાને રદ કરનારા ગેરકાયદે અને ગેરબંધારણીય કાર્યને પૂર્વવત્ કર્યા વગર આ વિસ્તારમાં શાંતિ બહાલ થઈ શકે નહીં.
ગુપકરમાં સામેલ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)નાં અધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે અમારી પાસેથી જે છીનવાઈ ગયું એના વિશે અમે ચર્ચા કરીશું કે એ એક ભૂલ હતી અને ગેરકાયદે તથા ગેરબંધારણીય કૃત્ય હતું. એને બહાલ ર્ક્યા વગર જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિમાં સુધારો થઈ શકે નહીં અને શાંતિ સ્થાપિત થઈ શકે નહીં. 
પીએજીડીના એક નેતાએ જણાવ્યું હતું કે કલમ 370, 35-એ  અને રાજ્યનો દરજ્જો બહાલ કરવા બાબતે તડજોડ કરી શકાય એમ નથી. 
ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહા અને અન્ય ટોચના અધિકારીઓ પણ વડા પ્રધાનની અધ્યક્ષતા હેઠળ મળી રહેલી આ બેઠકમાં સામેલ થવાની શક્યતા છે.
બેઠક પહેલાં ખીણમાં 48 કલાકનું ઍલર્ટ
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આવતીકાલે ગુરૂવારે જમ્મુ કાશ્મીરને લઈને બેઠક થવાની છે. જેમાં જમ્મુ કાશ્મીરના પક્ષના નેતાઓ પણ સામેલ થશે. આ દરમિયાન બેઠક અગાઉ જમ્મુ કાશ્મીર અને એલઓસી ઉપર 48 કલાકનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાથે હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવાઓ પણ ગુરૂવારે બંધ રાખવામાં આવે તેવી શક્યતા છે. 
બીજી તરફ પીએમ સાથે દિલ્હીમાં થનારી કાશ્મીરના નેતાઓની સર્વપક્ષિય બેઠકમાં સામેલ થવા માટે કાશ્મીરના પુર્વ સીએમ અને પીડીપી પ્રમુખ મહબુબા મુફતી શ્રીનગરથી દિલ્હી માટે રવાના થયા છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈના અને પક્ષના નેતા તેમજ પુર્વ ડેપ્યુટી સીએમ કવિંદર ગુપ્તા પણ દિલ્હી પહોંચ્યા છે. સર્વપક્ષિય બેઠક માટે કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ કાશ્મીરના કુલ 16 નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કાશ્મીરમાંથી અનુચ્છેદ 370, 35એ હટાવવામાં આવ્યા બાદ કેન્દ્ર દ્વારા રાજ્યોના નેતાઓ સાથે સંવાદની આ સૌથી મોટી પહેલ છે. 
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer