ટોકિયો અૉલિમ્પિકસના ભારતીય દળમાં હરિયાણા અને પંજાબનો દબદબો

ટોકિયો અૉલિમ્પિકસના ભારતીય દળમાં હરિયાણા અને પંજાબનો દબદબો
ગુજરાતની ત્રણ મહિલા ખેલાડી ભારતનો પડકાર રજૂ કરશે
નવી દિલ્હી, તા.21: ખેલોના મહાકુંભ ઓલિમ્પિક માટે ભારતે તેનું અત્યાર સુધીનું સૌથી મોટું દળ ટોક્યો મોકલ્યું છે. ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં 127 એથ્લેટ ભાગ લેવાના છે. 23 જુલાઇથી તા. 8 ઓગસ્ટ સુધી ચાલનારા આ ઓલિમ્પિકમાં ભારતને શૂટીંગ, હોકી, રેસાલિંગ, બેડમિન્ટન, આર્ચરી, બોક્સિંગમાં મેડલ મળવાની આશા છે. પાછલા કેટલાક ઓલિમ્પિકની જેમ આ વખતે પણ ઓલિમ્પિકમાં હરિયાણા અને પંજાબના ખેલાડીઓની સંખ્યા સૌથી વધુ છે. બન્ને રાજ્યની ભારતની કુલ જનસંખ્યામાં ભાગીદારી 4.4 ટકા છે. આમ છતાં આ બન્ને રાજ્યના પ0 એથ્લેટ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવાના છે. જેમાં હરિયાણાના 31 અને પંજાબના 19 ખેલાડી છે.
ટોક્યો ઓલિમ્પિકમાં તામિલનાડુના 11 ખેલાડી સામેલ છે. જ્યારે કેરળ અને યુપીના 8-8 એથ્લેટ ટોક્યો ગયા છે. ભારતની જનસંખ્યામાં લગભગ 17 ટકા ભાગીદારી રાખનાર ઉત્તર પ્રદેશ તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં 6.3 ટકા ખેલાડીનું યોગદાન છે.
ભારતીય પુરુષ હોકી ટીમના 19 ખેલાડીમાંથી 9 હરિયાણાના છે. આ ઉપરાંત હરિયાણાના સાત પહેલવાન ટોક્યોના દંગલમાં ભારતનો પડકાર રજૂ કરશે. જેમાં 4 મહિલા અને 3 પુરુષ કુસ્તી ખેલાડી છે. હરિયાણા ચાર મુક્કેબાજ (3 પુરુષ અને 1 મહિલા) પંચ લગાવશે. આ ઉપરાંત હરિયાણાના ચાર નિશાનેબાજ પણ સામેલ છે. જેમાં બે મહિલા-બે પુરુષ ખેલાડી છે.
પંજાબની વાત કરીએ તો પુરુષ હોકી ટીમમાં તેના 11 ખેલાડી સામેલ છે. પંજાબના બે શૂટર પણ ટોક્યોમાં નિશાન તાંકશે. મહિલા હોકી ટીમમાં પંજાબની બે ખેલાડી છે. આ રાજ્યનો એક બોક્સર પણ ટોક્યો ગયો છે. તામિલનાડુના 11 ખેલાડીમાંથી પાંચ ટ્રેક એન્ડ ફિલ્ડના ખેલાડી છે. સેલિંગમાં 3 અને ટેબલ ટેનિસમાં એક ઉપરાંત તલવારબાજીમાં એક ખેલાડી છે. તરણ અને પુરુષ હોકી ટીમમાં પણ એક-એક ખેલાડી છે. ગુજરાતની ત્રણ ખેલાડી આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે. જેમાં માના પટેલ તરણ ખેલાડી છે. અંકિત રૈના ટેનિસ ખેલાડી છે. તે સાનિયા મિર્ઝા સાથે જોડી બનાવીને ડબલ્સમાં ભારતનો પડકાર રજૂ કરશે. નિશાનેબાજ અનાવેનિલ પણ ગુજરાતની છે અને ચંદ્રકની દાવેદાર છે.
Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust