સ્ટાર્કના પંજાથી અૉસ્ટ્રેલિયાની વિન્ડિઝ સામે 133 રનથી જીત

સ્ટાર્કના પંજાથી અૉસ્ટ્રેલિયાની વિન્ડિઝ સામે 133 રનથી જીત
27 રનમાં છ વિકેટ ગુમાવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝ 123 રન સુધી માંડમાંડ પહોંચ્યું
બ્રિજટાઉન (બાર્બાડોસ), તા.21: ઝડપી બોલર મિશેલ સ્ટાર્કની 48 રનમાં 5 વિકેટ અને જોશ હેઝલવૂડની 11 રનમાં 3 વિકેટની ધારદાર બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ પહેલા વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને 123 રનમાં ડૂલ કરીને 133 રનથી મહાજીત મેળવી હતી. વરસાદ પ્રભાવિત પહેલા વન ડેમાં 49 ઓવરમાં 257 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમે આઠ ઓવર સુધીમાં 27 રન સુધીમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં કપ્તાન કાયરન પોલોર્ડે 56 રન અને અલજારી જોસેફ (17) સાથે સાતમી વિકેટમાં 68 રન જોડીને ટીમનો સંપૂર્ણ રકાશ ખાળ્યો હતો. જો કે વિન્ડિઝની પૂરી ટીમ 26.2 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ઓસિ.નો ડકવર્થ-લૂઇસ નિયમથી 133 રન વિજય થયો હતો અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ થયું હતું.
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ કાર્યવાહક સુકાની એલેકસ કેરીની 67 રનની અને એશ્ટન ટર્નર (49) સાથેની પાંચમી વિકેટની 104 રનની ભાગીદારીથી 49 ઓવરમાં 9 વિકેટે 252 રન કર્યાં હતા. વિન્ડિઝ સ્પિનર હેડન વોલ્શે તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખીને કેરિયરમાં પહેલીવાર પાંચ વિકેટ લીધી હતી. તેણે 39 રનમાં 5 વિકેટ ઝડપી હતી.

Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust