ડૉલર સુધરવાને પગલે સોનું નરમ

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 21 : આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના મૂલ્યમાં સુધારો આવવાને લીધે સોનામાં સવારે જોવાયેલો ભાવવધારો સાંજે ધોવાઇ ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં 1818 ડોલરની દિવસની ઉંચાઇ મેળવીને સોનું 1805ના સ્તરે આ લખાય છે ત્યારે હતુ. ચાંદી પણ ઘટીને 25.16 ડોલર હતી. 
ડેલ્ટા વાઇરસના વધતા જતા કેસ ફરીથી મહામારીને વેગ આપશે તેવો ભય ફેલાઇ ગયો હોવાથી સલામત રોકાણની માગ સારી છે પરંતુ ડોલરના મૂલ્યમાં થઇ રહેલો સુધારો સોનાની તેજીને અવરોધી રહ્યો છે. બીજી તરફ અમેરિકી બોન્ડ યીલ્ડ પણ નબળા પડી ગયા છે. 
એશિયન રોકાણકારો સોનાની ખરીદી દરેક ઘટાડામાં કરી રહ્યા છે તેમ ઓન્ડા રીસર્ચના વિષ્લેષક જેફરી હેલીએ કહ્યું હતુ. તેમણે કહ્યું કે, હવે ફિઝિકલ માગ સુધરી રહી છે. ફંડો અને રોકાણકારો સોનામાં સક્રિય થઇ રહ્યા છે. એ જોતા ભાવ ઘટવા મુશ્કેલ છે. જોકે તેજી પણ થતી નથી એટલે હવે બજાર સાંકડી રેન્જમાં અથડાઇ ગઇ છે. જોકે અત્યારે ડોલરમા તેજી છે એટલે તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ડોલરને લીધે સોનું રોકાણકારોને અત્યારે મોંઘું પણ લાગી રહ્યું છે.  
આઇજી માર્કેટના વિષ્લેષક કહે છે, સોનું સલામત રોકાણ માટે ઉત્તમ સાધન ગણાવાય છે એ સાચું છે કારણકે અત્યારે આર્થિક વિકાસ અંગે ચિંતા છે અને અમેરિકાની વ્યાજદરની નીતિ અંગે પણ હજુ કશો ફોડ પડતો નથી. એ કારણે સોનામાં ખરીદી કરવી જોઇએ. કારણકે ડોલરની તેજીની વરાળ ઉડી જશે ત્યારે સોનું ઉંચકાશે તેમાં બેમત નથી.  રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 150ના ઘટાડામાં રુ. 49540 અને ચાંદીનો ભાવ એક કિલોએ રુ. 200 નરમ પડતા રુ. 68000 હતો. મુંબઇની બજાર બકરી ઇદને લીધે બંધ હતી.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer