પોલાદના ભાવ ટૂંક સમયમાં ઘટશે

પોલાદના ભાવ ટૂંક સમયમાં ઘટશે
મુંબઈ તા. 21 : કોરોના મહામારીને કારણે મંદીગ્રસ્ત થયેલી આર્થિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા વિવિધ દેશોની સરકારે લીધેલા પગલાંથી પોલાદની માગમાં ઉછાળો જોવા મળ્યો છે જેને લઈને તેના ભાવ વધ્યા છે. પણ કેટલાક નિષ્ણાતો માને છે કે માગ અને પુરવઠા વચ્ચેનું અંતર થોડા સમયમાં જ ઘટશે જેને પરિણામે પોલાદના ભાવ ઘટશે. એક વર્ષથી માગ અને પુરવઠા વચ્ચે અંતર વધ્યું હતું પણ હવે પોલાદનો પુરવઠો વધે એવી શક્યતા છે એમ કેર રાટિંગ્સએ એક રિપોર્ટમાં કહ્યું છે. માગમાં વધારો જળવાઈ રહેશે પણ લોકડાઉન ઉઠાવી લેવાતા આર્થિક પ્રવૃત્તિઓ સામાન્ય બનશે અને પોલાદના ઉત્પાદનમાં વધારો થશે એમ રિપોર્ટ જણાવે છે.    
ચાલુ વર્ષે ખાસ કરીને ચીન અને ભારતમાં પોલાદના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેને કારણે વૈશ્વિક ઉત્પાદનમાં 15 ટકા ઉછાળો નોંધાયો છે. પણ વૈશ્વિક ભાવમાં બહુ ઝડપથી મોટો ઘટાડો નહિ થાય એમ કેર રાટિંગ્સનું કહેવું છે. તેના રિપોર્ટમાં જણાવ્યાનુસાર ભાવમાં ઘટાડો ધીમી ગતિએ થશે. માગ મજબૂત રહેશે તેમ જ કાચા લોખંડના ભાવ પણ ઊંચા રહેશે. પોલાદના ભાવ કાચા લોખંડના ભાવને અનુસરશે. પોલાદના ભાવ ઘટે તો પણ તેની ઉત્પાદક કંપનીઓનો માર્જિન અકબંધ રહેશે એમ કેર રાટિંગ્સનું માનવું છે. 
સ્થાનિક બજારમાં મહામારીની બીજી લહેરને કારણે પોલાદની માગમાં કામચલાઉ ઘટાડો આવ્યો હતો પણ ચોમાસુ પૂરું થયા પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રની માગ વધશે એમ કેર રાટિંગ્સએ કહ્યું છે. 
અત્યારે ભારતમાં પોલાદના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવથી નીચા ચાલે છે કેમ કે ભાવ વધારવાથી વેચાણ ઘટી જશે એવો ઉત્પાદકોને ડર છે. પણ આંતરરાષ્ટ્રીય ભાવ ઘટવાથી આ પરિસ્થિતિમાં બદલાવ આવશે. સાથે મોટા ઉત્પાદકોને નિકાસનો પણ લાભ મળશે. ચીનની નિકાસ ઘટી રહી છે અને સ્થાનીલ બજારમાં કાચા લોખંડનો ભાવ પણ નીચે આવી શકે. આ બંને પરિબળોનો લાભ પોલાદ ઉત્પાદકોને મળશે. 
Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust