આવર્ષના અંત સુધીમાં 20 લાખ બેરલ વધારાનું ક્રૂડ અૉઈલ બજારમાં આવશે

આવર્ષના અંત સુધીમાં 20 લાખ બેરલ વધારાનું ક્રૂડ અૉઈલ બજારમાં આવશે
ઇબ્રાહિમ પટેલ તરફથી
મુંબઈ, તા. 21 : ઓપેક સંગઠન અને મિત્ર રાષ્ટ્રોએ અૉગસ્ટથી ડિસેમ્બર સુધી દૈનિક 4 લાખ બેરલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો. તેનું આખરી પરિણામ એ આવશે કે બજારમાં હવે કોઈ એમ નહીં કહે કે બ્રેન્ટ ક્રૂડ અૉઇલના ભાવ 100 ડૉલર થશે. અૉગસ્ટથી ડિસેમ્બર સુધીમાં વૈશ્વિક સપ્લાયમાં વધારાનું 20 લાખ બેરલ ક્રૂડ અૉઇલ ઉમેરાશે અને ભાવ ઘટશે. 
યુએઇ જે એવો આગ્રહ રાખે છે કે ઉત્પાદન ક્વૉટાની બેઝલાઇન નિર્ધારિત થઈ જવી જોઈએ, તેને લીધે ઊભા થયેલા વિવાદોનો ઉકેલ લાવવા રશિયા અને ઓપેક દેશો મે 2022થી ઉત્પાદનનો નવો ક્વૉટા ફાળવવાને સહમત થયા છે. યુએઇ ઈચ્છે છે કે મેથી દૈનિક 3.32 લાખ બેરલ બેઝિક ઉત્પાદન ક્વૉટા વધારવો જોઈએ, જ્યારે કે સાઉદી અરેબિયા અને રશિયા દૈનિક પાંચ લાખ બેરલ વધારાનો લાભ લઈ રહ્યા છે. ઈરાક અને કુવૈતએ પણ ઉત્પાદન વધારીને 1.5 લાખ બેરલ કરી નાખ્યું છે.      
ઓપેક પ્લસ દેશો સપ્ટેમ્બર 2022થી ઉત્પાદનનાં તમામ નિયંત્રણો મુક્ત કરી દેવાની યોજના ધરાવે છે, પણ તેનો આધાર એ સમયે ક્રૂડ અૉઇલની બજારનો આંતરપ્રવાહ કેવો છે, તે જોઈને નિર્ણય લેવાશે. એક સમસ્યાનો નિવેડો લાવવામાં આવ્યો છે અને જાગતિક બજારમાં સપ્લાય પ્રવાહ વધશે, ત્યારે બજાર માટે પ્રશ્ન થવો વાજબી છે પણ તેના જવાબો જુદાજુદા હોઇ શકે છે. આનો જવાબ શું એવો હોઇ શકે કે બજારમાં આવશ્યકતા કરતાં વધુ પુરવઠા પ્રવાહ હશે, જે ભાવની નીચે જવાની દોરવણી આપશે. 
તેજીવાળા એવું માને છે કે ઘણા બધા દેશો, નાગરિકોને કોવિડ રસી મૂકવાનો લક્ષ્યાંક પૂરો કરવાની નજીક છે તેથી જગતના અર્થતંત્રો કોરોના મહામારીમાંથી બહાર નીકળી રહ્યા છે. જ્યારે મંદીવાળા એવું માને છે કે આ પ્રક્રિયા જરૂર આગળ વધી રહી છે ઉત્તર અમેરિકા અને યુરોપ મહામારીમાંથી બહાર આવી રહ્યા છે. પણ નવા નવા વેરિયન્ટ, રશિયા, વિકસિત દેશો, 
દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ આફ્રિકામાં ઝડપથી ફેલાઈ રહ્યા છે.     
અલબત્ત, અત્યારે ખાસ કરીને વધુ માગવાળા એશિયન દેશોમાં ક્રૂડ અૉઇલ માગના જે કઈ સંકેત મળી રહ્યા છે તે તો મંદીવાળાની દલીલની તરફેણ કરે છે. એશિયામાં તો મધ્યપૂર્વના દેશો ગ્લોબલ બેન્ચમાર્ક વાયદા કરતાં ફિઝિકલ કાર્ગો સોદામાં ડિસ્કાઉન્ટ અૉફર કરી રહ્યા છે. બ્રેન્ટ વાયદા સામે દુબઈમાં ગત શુક્રવારે સ્વેપ સોદામાં 3.79 ડૉલર જેવું ડિસ્કાઉન્ટ અૉફર થયું હતું. 7 જુલાઇએ આવા સ્વેપ સોદાના ડિસ્કાઉન્ટ 4.38 ડૉલરે પહોંચ્યા હતા, જે એપ્રિલ 2018 પછીના સૌથી વધુ હતા. 
હવે ઓપેક પ્લસ દેશના નવા કરારો અમલી બન્યા છે, ત્યારે પેપર માર્કેટ (વાયદા અને ઓપ્શન)માં સોદા કરતાં રોકાણકારોને હવે વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો છે. વિશ્વમાં ક્રૂડ અૉઇલની ફિઝિકલ માગ નબળી પડી રહી છે. શક્ય છે કે તે કોરોના મહામારીની અસર ઓછી રહે. મંગળવારે આરંભિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ અૉઇલ વાયદો 16 જુલાઇના બંધ ભાવથી પાંચ ટકા કરતાં વધુ ઘટીને 68.53 ડૉલર અને ડબ્લ્યુટીઆઈ 66.33 ડૉલર મુકાયા હતા.
Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust