બજાજ ફિનસર્વનો નફો 31 ટકા ઘટી રૂા. 833 કરોડ થયો

બજાજ ફિનસર્વનો નફો 31 ટકા ઘટી રૂા. 833 કરોડ થયો
બજાજ ફિનસર્વ ડાયરેક્ટ લિ.માં રૂા. 342 કરોડનું રોકાણ થશે
મુંબઈ, તા. 21  : બજાજ ફિનસર્વ લિમિટેડનો જૂન ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો એકત્રિત નફો વાર્ષિક ધોરણે 31 ટકા ઘટી રૂા.833 કરોડ થયો હતો. કંપનીએ ગયા વર્ષે સમાન ગાળામાં રૂા.1215 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 
કંપનીની એકત્રિત ચોખ્ખી આવક પણ વાર્ષિક ધોરણે જૂન ત્રિમાસિકમાં ઘટી રૂા.13,949 કરોડ થઇ હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા.14,192 કરોડની થઇ હતી.
બજાજ ફિનસર્વની એકત્રિત આવકમાં તેનો સંપૂર્ણ અખત્યાર ધરાવતી પેટા કંપનીઓ બજાજ ફાઇનાન્સ લિમિટેડ, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ અને બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્સ્યુરન્સ કંપની લિ.નો સમાવેશ થાય છે.
વર્ગીકરણ અનુસાર બજાજ ફાઇનાન્સનો એકત્રિત ચોખ્ખો નફો 4.2 ટકા વધી રૂા.1002 કરોડ થયો છે જ્યારે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યુરન્સનો નફો 8.4 ટકા ઘટી રૂા.362 કરોડ થયો છે. તેમ જ બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્સ્યુરન્સનો નફો 35.4 ટકા ઘટી રૂા.84 ટકા થયો હતો. કંપનીના જણાવ્યા મુજબ જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન લૉનમાં થયેલી ખોટ અને જોખમો સામેની આર્થિક જોગવાઇ વાર્ષિક ધોરણે રૂા.1686 કરોડથી વધીને રૂા.1750 કરોડ થઇ હતી. 
દરમિયાન બજાજ ફિનસર્વની પેટા કંપની બજાજ ફિનસર્વ ડાયરેક્ટ લિ.માં રૂા.342 કરોડનું રોકાણ મંજૂર કરવાનો નિર્ણય કંપનીના બોર્ડે લીધો છે.

Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust