સંયુક્ત દક્ષતા સમિતિની માટે એઆઈજેજીએફના પ્રતિનિધિઓ ગૃહપ્રધાનને મળ્યા

મુંબઈ, તા. 21 : ધારા 411-412 અંગે પોલીસ પ્રશાસન અને ઝવેરીઓના સંગઠન વચ્ચે થનારા વિવાદને ધ્યાનમાં રાખી એના નિવારણ માટે અૉલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગૉલ્ડ સ્મિથ ફેડરેશન (એઆઈજેજીએફ)નું એક પ્રતિનિધિમંડળ, રાષ્ટ્રીય મહાસચિવ નીતિન કેડિયા અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રદેશ મહાસચિવ આભા બિજ્જુ પાંડેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલને મળ્યું હતું. 
પ્રતિનિધિમંડળે ગૃહપ્રધાનને ધારા 411-412 અંગે અગાઉ ઝવેરીઓનાં સંગઠનો અને પોલીસ પ્રશાસન વચ્ચે બનાવાયેલી દક્ષતા સમિતિને ફરી મંજૂરી આપવાની માગણી કરવાની સાથે આવેદન આપ્યું હતું. 
આ અંગે જાણકારી આપતાં નીતિન કેડિયાએ કહ્યું કે દક્ષતા સમિતિની સ્થાપના નાગપુરના તત્કાલીન પોલીસ કમિશનર એસપીએસ યાદવે 2005માં કરી હતી. તત્કાલીન ગૃહપ્રધાન આર. આર. પાટીલે નાગપુરની દક્ષતા સમિતિની પ્રશંસા કરતા એને નાગપુર પેટર્ન નામ આપી મહારાષ્ટ્ર સ્તરે દક્ષતા સમિતિ બનાવી હતી. આ સમિતિ 2013 સુધી સુચારૂ રૂપે ચાલતી રહી. ત્યાર બાદ પોલીસ પ્રશાસન દ્વારા આ સમિતિને નજરઅંદાજ કરવામાં આવી. સંગઠનની માગ છે કે આ દક્ષતા સમિતિને મહારાષ્ટ્ર સ્તરે ફરી શરૂ કરવામાં આવે.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer