એન્ટિલિયા પ્રકરણને પગલે રાજ કુન્દ્રાની ધરપકડમાં વિલંબ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.21 : જે સમયે મુંબઇ પોલીસે રાજ કુન્દ્રાની ધરપકડ કરવાની તૈયારી શરૂ કરી હતી. તે જ સમયે એન્ટિલિયા બહાર વિસ્ફોટક સામગ્રી ભરેલી કાર મળી આવી હતી. જેને પગલે મુંબઇ પોલીસનું સંપૂર્ણ ધ્યાન તે કેસમાં હતું. આ કેસની તપાસ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓની બદલી થઇ હતી, જેમાં રાજ કુન્દ્રાના કેસની તપાસ કરી રહેલા અધિકારીનો પણ સમાવેશ હતો. મુંબઇ પોલીસ દળમાં થયેલી બદલીને પગલે સાક્ષીદાર અને પુરાવા હોવા છતાં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં પાંચ મહિનાનો સમય લાગ્યો હતો. સચીન વાઝેનું પ્રકરણ સામે ન આવ્યું હોત તો રાજ કુન્દ્રાની ધરપકડ ફેબ્રુઆરી મહિનામાં જ થવાની હતી. હાલ કુન્દ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે. ફેબ્રુઆરી મહિનામાં રાજ વિરુદ્ધ ફરિયાદ થઇ હતી. મુંબઇ પોલીસના જોઇન્ટ કમિશનર મિલિંદ ભરાંબેએ જણાવ્યું હતું કે મોડેલ્સને કામ આપવાની લાલચ આપીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ધકેલાતી હતી. ઓડિશનના નામે નવોદિતોને શરૂઆતમાં સેમી ન્યૂડ પોઝ અને ત્યારબાદ પૂર્ણ ર્નિવત્ર પોઝ અપાવીને શૂટિંગ કરાતું હતું. વેબ સીરિઝ, શોર્ટ ફિલ્મના નામે અનેક નવોદિત મોડેલો પાસે આ કામ કરાવાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં અનેક જણનાં નિવેદનો નોંધવામાં આવ્યા છે.

Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer