મુંબઈમાં શુક્રવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 21 : હવામાન ખાતાએ મુંબઇ માટે રેડઍલર્ટ જાહેર કર્યું છે. મુંબઇમાં શુક્રવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. આ અગાઉ મુંબઇમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયું હતું, પંરતુ હવામાનનો અંદાજ મેળવીને તેને રેડ ઍલર્ટમાં રૂપાંતર કરી દેવાયું હોવાનું હવામાન ખાતા વિભાગના વડા ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું. 
સરકારે જણાવ્યું હતું કે મુંબઇમાં આજે અને આગામી કેટલાક દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે બે અનુકૂળ પરિસ્થિતિઓ જવાબદાર છે જેમાં દક્ષિણ ગુજરાતના કિનારાથી કર્ણાટકના કિનારા સુધી ઓછા દબાણનો હવાનો પટ્ટો નિર્માણ થવાથી વરસાદની તીવ્રતા તેજ થવાની આશા છે. મુંબઇ અને આસપાસના જિલ્લાઓમાં હવાએ દિશા બદલી લેતા કોંકણ તથા મધ્ય મહારાષ્ટ્રમાં પણ મુશળધાર વરસાદ થશે. આવતી કાલે મહત્તમ ઉષ્ણતામાન 28 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ ઉષ્ણતામાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 8.0 મિ.મી. અને સાંતાક્રુઝમાં 23.9 મિ.મી. વરસાદ નોંધાયો હતો. રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં 90.8 મિ.મી. અને સાંતાક્રુઝમાં 50.4 મિ.મી. વરસાદની નોંધ થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. મોસમનો કુલ વરસાદ કોલાબામાં 1365.8 મિ.મી. અને સાંતાક્રુઝમાં 1943.7 મિ.મી. નોંધાયો હતો.

Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer