મુંબઈમાં વરસના પહેલા છ મહિનામાં લક્ઝરી હૉમ્સમાં થયા ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના સોદા

મુંબઈ, તા. 21 : આ વરસના જાન્યુઆરીથી જૂન દરમિયાન 15 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ફ્લૅટના થયેલા સોદાની યાદી સ્ક્વેર યાર્ડ્સના રિપોર્ટમાં જારી કરવામાં આવી છે. આમાં ડેવલપ કરાયેલા પ્લૉટને સામેલ કરાયા નથી. રિયલ એસ્ટેટમાં લક્ઝરી ફ્લૅટના જે સોદા થયા છે એની કુલ કિંમત ચાર હજાર કરોડ રૂપિયા કરતાં વધુ છે, જે દર્શાવે છે કે 2021ના પહેલા છમાસિક ગાળામાં મુંબઈમાં લક્ઝરી બજારનો દેખાવ સારો રહ્યો છે. 
મુંબઈના લક્ઝરી માર્કેટ અંગે જણાવતા ડાટા ઇન્ટેલિજન્સ ઍન્ડ એસ્ટેટ મૅનેજમેન્ટ સ્ક્વેર યાર્ડ્સના બિઝનેસ હેડ આનંદ મૂર્તિ કહે છે કે, મુંબઈ ભારતમાં સૌથી આકર્ષક અને મોંઘું રિયલ એસ્ટેટ બજાર છે, જે 15 કરોડ રૂપિયા કરતાં વધુના સોદાનો દાવો કરે છે. 2021 (જાન્યુઆરી-મે)માં લગભગ 1.26 લાખ ઘરોના થયેલા સોદાના લગભગ 0.13 ટકા જેટલા સોદા લક્ઝરી ઘરોના થયા છે. 2019 અને 2020ની સરખામણીએ 63 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એનો શ્રેય સ્ટૅમ્પ ડ્યૂટીના દરમાં ઘટાડો, હાઈ વૅલ્યૂ ટ્રાન્ઝેક્શનમાં 15-30 ટકાનું પ્રાઇઝ કરેક્શન અને ઇક્વિટી માર્કેટના ઉત્સાહને આપવામાં આવે છે. 
જે સોદાઓ થયા છે એમાં 45 ટકા જેટલા સોદા 15થી 20 કરોડ રૂપિયાની કેટેગરીમાં થયા છે. જ્યારે 40 ટકા 20-30 કરોડ રૂપિયાની રેન્જમાં થયા છે. તો 10 ટકા જેટલા સોદા 30-50 કરોડના બજેટના થયા છે અને સાત ટકા સોદા 50 કરોડ રૂપિયાથી વધુના લક્ઝરી હૉમના થયા છે. મજાની વાત એ છે કે કુલ સોદાના 60 ટકા લોઅર પરેલ વિસ્તારમાં થયા છે. જે ઘરો વેચાયાં છે એમાંથી 40 કે એથી ઉપરના માળ પર આવેલી લક્ઝરી પ્રૉપર્ટી પર પસંદગી ઉતારનારાની સંખ્યા 34 ટકા જેટલી છે. મોટા ભાગના સોદાઓ 4000-6000 ચોરસફૂટની પ્રૉપર્ટી માટે થયા છે. અને લક્ઝરી પ્રૉપર્ટી ખરીદનારાઓમાંથી 67 ટકા જેટલા 40થી વધુ વયના છે.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer